Skip to content
માર્ક ૧૪:૩૨-૫૨

માર્ક ૧૪:૩૨-૫૨

૩૨
તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’”
૩૩
ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.
૩૪
ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’”
૩૫
તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’”
૩૬
તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”
૩૭
ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?
૩૮
જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’”
૩૯
ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.
૪૦
ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.
૪૧
ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.
૪૨
ઊઠો, આપણે જઈએ; જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.’”
૪૩
તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.
૪૪
હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’”
૪૫
ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો.
૪૬
ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.
૪૭
પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.
૪૮
ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?
૪૯
હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.
૫૦
બધા ઈસુને મૂકીને નાસી ગયા.
૫૧
એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;
૫૨
પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0