Skip to content
યર્મિયા ૨૫:૩૦-૩૮

યર્મિયા ૨૫:૩૦-૩૮

૩૦
તેથી હે યર્મિયા તું તેઓની વિરુદ્ધ આ સર્વ વચનો કહે. તારે તેઓને કહેવું કે, ‘યહોવાહ તેમના ઉચ્ચસ્થાનમાંથી ગર્જના કરશે. પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડશે. તે પોતાના નિવાસસ્થાનમાંથી ગર્જના કરશે; દ્રાક્ષા ખૂંદનારાની જેમ તે પૃથ્વીના સર્વ લોકોની વિરુદ્ધ હોંકારો કરશે.
૩૧
પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે. કેમ કે દેશના લોકો સાથે યહોવાહ વિવાદ કરે છે. તે સર્વ માણસોનો ન્યાય કરશે. તે દુષ્ટોનો તલવારથી સંહાર કરશે.” એમ યહોવાહ કહે છે.
૩૨
સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ રહી છે, પૃથ્વીના છેક છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે.
૩૩
તે દિવસે યહોવાહે જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે શોક કરવામાં આવશે નહિ, તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ. તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.
૩૪
હે પાળકો વિલાપ કરો. તથા બૂમ પાડો, હે ટોળાંના સરદારો તમે રાખમાં આળોટો. કેમ કે તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. હું તમારા ટુકડા કરી નાખીશ અને તમે સુંદર પાત્ર પડીને ભાંગી જાય તેમ પડશો.
૩૫
પાળકો તથા ટોળાંના સરદારોને નાસવાનો કે બચવાનો કોઈ રસ્તો પણ મળશે નહિ
૩૬
પાળકોની બૂમનો પોકાર તથા ટોળાંના સરદારોનું રડવું સંભળાય છે, કેમ કે યહોવાહ તેમનું બીડ ઉજ્જડ કરી નાખે છે.
૩૭
યહોવાહના ભારે રોષને કારણે તેઓના શાંત નિવાસો ખંડેર થયા છે.
૩૮
તે જુવાન સિંહની જેમ પોતાની ગુફામાંથી બહાર આવે છે. કેમ કે ઉપદ્રવ કરનારની ગર્જનાને લીધે, તેઓના ભારે રોષને લીધે તેઓની ભૂમિ વિસ્મય પમાડે એવી વેરાન થઈ ગઈ છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options