ઊત્પત્તિ ૨૭:૨૦-૩૮
૨૦
¶ ઇસહાકે તેના દીકરાને કહ્યું, “મારા દીકરા, તને આટલો જલ્દી શિકાર કેવી રીતે મળ્યો?” તેણે કહ્યું, “કેમ કે ઈશ્વર તારા પ્રભુ, તેને મારી પાસે લાવ્યા.”
૨૧
ઇસહાકે યાકૂબને કહ્યું, “મારા દીકરા, મારી નજીક આવ જેથી હું તને સ્પર્શ કરું અને જાણું કે તું જ મારો સાચો દીકરો એસાવ છે કે નહિ?
૨૨
¶ યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો; ઇસહાકે તેને સ્પર્શીને કહ્યું, “આ અવાજ તો યાકૂબનો અવાજ છે પણ હાથ તો એસાવના છે.”
૨૩
તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું.
૨૪
¶ તેણે કહ્યું, “શું તું નિશ્ચે મારો દીકરો એસાવ જ છે?” અને તેણે કહ્યું, “હા, હું એ જ છું.”
૨૫
ઇસહાકે કહ્યું, “એ ભોજન મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઉં અને તને આશીર્વાદ આપું.” યાકૂબ તેની પાસે ભોજન લાવ્યો. ઇસહાકે ખાધું અને યાકૂબ તેના માટે જે દ્રાક્ષાસવ લાવ્યો હતો તે પણ તેણે પીધો.
૨૬
¶ પછી તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર.
૨૭
યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું, “જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.
૨૮
માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ. પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.
૨૯
લોકો તારી સેવા કરે અને દેશજાતિઓ તારી આગળ નમે. તું તારા ભાઈઓનો માલિક થા અને તારી માતાના દીકરા તારી આગળ નમો. જે દરેક તને શાપ આપે, તે શાપિત થાય. જે તને આશીર્વાદ આપે, તે આશીર્વાદ પામે.”
૩૦
¶ ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો.
૩૧
પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો અને તેના પિતાને કહ્યું, “મારા પિતા ઊઠીને તારા દીકરાનો શિકાર ખાઓ, કે જેથી તમે મને આશીર્વાદ આપો.”
૩૨
¶ તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું.”
૩૩
ઇસહાક બહુ ધ્રૂજી ઊઠ્યો અને બોલ્યો, “ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ હતો? તારા આવ્યા અગાઉ તે સર્વમાંથી મેં ખાધું અને મેં તેને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદિત થશે પણ ખરો.”
૩૪
¶ જયારે એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે મોટી તથા બહુ કારમી બૂમ પાડીને રડ્યો અને પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને હા મને પણ, આશીર્વાદ આપ.”
૩૫
ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ કપટ કર્યું છે. તેણે આવીને તારો આશીર્વાદ લઈ લીધો છે.”
૩૬
¶ એસાવે તેને કહ્યું, “શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? તેણે મને બે વાર છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું. અને જો, હવે તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે.” અને તેણે પૂછ્યું, “શું તેં મારા માટે આશીર્વાદ રાખ્યો નથી?”
૩૭
ઇસહાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, “જો, મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યાં છે. અને મેં તેને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ આપ્યાં છે. મારા દીકરા, હું તારે સારુ શું કરું?”
૩૮
¶ એસાવે પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને આપવા માટે શું તારી પાસે એકપણ આશીર્વાદ બાકી રહ્યો નથી? મારા પિતા, મને, હા મને પણ આશીર્વાદ આપ.” અને એસાવ પોક મૂકીને રડ્યો.
Settings