હઝકિયેલ ૧૬:૪૪-૫૨
૪૪
¶ જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે, જેવી મા તેવી દીકરી.
૪૫
તું તારી માની દીકરી છે. જેણે પોતાના પતિને તથા પોતાના સંતાનોને ધિક્કાર્યાં હતાં. તું તારી બહેનોની બહેન છે, જેઓએ પોતાના પતિને તથા સંતાનોને ધિક્કાર્યાં હતાં. તારી મા હિત્તી તથા પિતા અમોરી હતા.
૪૬
¶ તારી મોટી બહેન સમરુન હતી, જે પોતાની દીકરીઓ સાથે તારી ઉત્તર બાજુએ રહે છે, તારી દક્ષિણબાજુ રહેનારી તારી નાની બહેન તે સદોમ તથા તેની દીકરીઓ છે.
૪૭
તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.
૪૮
પ્રભુ યહોવાહ કહે છે કે, મારા જીવના સમ” સદોમ તથા તેની દીકરીઓએ, તારી તથા તારી દીકરીઓના જેટલું દુષ્ટ કાર્ય કર્યું નથી.
૪૯
¶ જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.
૫૦
તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.
૫૧
¶ સમરુને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.
૫૨
તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તારા પાપના લીધે તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.
Settings