Skip to content
દારિયેલ ૨:૨૭-૪૫

દારિયેલ ૨:૨૭-૪૫

૨૭
દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, “જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી.
૨૮
પણ આકાશમાં એક ઈશ્વર છે, જે રહસ્યો પ્રગટ કરે છે, તેમણે નબૂખાદનેસ્સાર રાજાને હવે પછીના સમયમાં શું થવાનું છે તે જણાવ્યું છે. તમારું સ્વપ્ન તથા તમારા પલંગ પર થયેલાં તમારા મગજનાં સંદર્શનો આ છે.
૨૯
હે રાજા, હવે પછી શું થવાનું છે તેના વિષે તમને તમારા પલંગ પર વિચારો આવ્યા, રહસ્યો પ્રગટ કરનારે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે.
૩૦
બીજી વ્યક્તિઓ કરતાં મારામાં વધારે ડહાપણ છે એટલે આ રહસ્ય મને પ્રગટ થયું છે એવું તો નથી. પણ એટલા માટે કે, રાજાને તેનો અર્થ સમજવામાં આવે અને તમે પોતાના વિચારો જાણો.
૩૧
હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો.
૩૨
તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં.
૩૩
તેના પગ લોખંડના બનેલા હતાં. તેના પગના પંજાનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો.
૩૪
આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા.
૩૫
પછી લોખંડ, માટી, કાંસું, ચાંદી અને સોનું બધાના ટુકડેટુકડા થઈ ગયા. અને તે ઉનાળાંમાં ખળામાંના ભૂસાની માફક થઈ ગયાં. પવન તેમને એવી રીતે ઉડાડીને લઈ ગયો કે ક્યાંય તેમનું નામોનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.
૩૬
આ તમારું સ્વપ્ન હતું. હવે અમે તમને તેનો અર્થ જણાવીશું.
૩૭
હે રાજા, તમે રાજાધિરાજ છો. આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, ગૌરવ તથા પ્રતાપ આપ્યાં છે.
૩૮
જ્યાં જ્યાં માણસો વસે છે તે જગ્યા તેમણે આપના હાથમાં સોંપી છે. તેમણે વનચર પશુઓ તથા આકાશના પક્ષીઓ આપના હાથમાં સોંપ્યાં છે, તેમણે આપને તે સર્વની ઉપર અધિકાર આપ્યો છે. તે સોનાનું માથું તો તમે છો.
૩૯
તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.
૪૦
ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે, કેમ કે લોખંડ બીજી વસ્તુઓને ભાંગીને ભૂકો કરે છે અને બધું કચડી નાખે છે. તેમ તે બધી વસ્તુઓને ભાંગી નાખશે અને કચડી નાખશે.
૪૧
જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે.
૪૨
જેમ પગના આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તેમ તે રાજ્યનો કેટલોક ભાગ બળવાન અને કેટલોક ભાગ તકલાદી થશે.
૪૩
વળી જેમ આપે લોખંડ સાથે માટી ભળેલી જોઈ, તેમ લોકો એકબીજા સાથે ભેળસેળ થશે; જેમ લોખંડ સાથે માટી ભળી શકતી નથી, તેમ તેઓ ભેગા રહી શકશે નહિ.
૪૪
તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.
૪૫
તમે જોયું કે, પેલો પથ્થર કોઈ માણસના હાથ અડ્યા વગર પર્વતમાંથી કાપી કાઢવામાં આવ્યો. તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા. તે પરથી હવે પછી શું થવાનું છે તે મહાન ઈશ્વરે તમને જણાવ્યું છે. તે સ્વપ્ન સાચું છે અને તેનો અર્થ વિશ્વસનીય છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options