પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૭-૩૭
૨૭
¶ કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેમને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત, વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા હતા;
૨૮
જેથી તમારા હાથે તથા તમારા સંકલ્પે જે થવાનું અગાઉથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે.
૨૯
¶ હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો;
૩૦
તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો.
૩૧
અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
૩૨
¶ વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી.
૩૩
પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના મરણોત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી.
૩૪
¶ તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં,
૩૫
વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને તેઓ પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેમને વહેંચી આપવામાં આવતું હતું.
૩૬
¶ યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.
૩૭
તેની પાસે જમીન હતી, તે તેણે વેચી દીધી, અને તેનાં નાણાં લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યાં.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings