1 શમુએલ ૧૮:૧૭-૨૫
૧૭
¶ શાઉલે દાઉદને કહ્યું, “જો અહીં મારી મોટી દીકરી મેરાબ છે. તેના લગ્ન હું તારી સાથે કરાવીશ. એટલું જ કે તું મારે સારુ બળવાન થા, ઈશ્વરની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે મનમાં વિચાર્યું, “મારો હાથ એના પર ન પડે, પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે.”
૧૮
દાઉદે શાઉલને કહ્યું, “હું કોણ છું, મારું જીવન શું છે, ઇઝરાયલમાં મારા પિતાનું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉં?”
૧૯
¶ હવે શાઉલે પોતાની દીકરી મેરાબ, દાઉદને આપવાની હતી, તેને બદલે તેણે તેને આદ્રિયેલ મહોલાથીની પત્ની તરીકે આપી.
૨૦
¶ પણ શાઉલની દીકરી મિખાલ, દાઉદને પ્રેમ કરવા લાગી હતી. તેઓએ શાઉલને કહ્યું, ત્યારે તે વાત તેને સારી લાગી.
૨૧
ત્યારે શાઉલે વિચાર્યું, “હું મિખાલ તેને આપીશ, કે તે તેને ફાંદારૂપ થાય, પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય. “તે માટે શાઉલે દાઉદને બીજીવાર કહ્યું, “તું મારો જમાઈ થશે.”
૨૨
¶ શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે, ‘દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને, કહેવું, ‘જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, તેના સર્વ ચાકરો તને પ્રેમ કરે છે. માટે હવે, રાજાનો જમાઈ થા.’”
૨૩
¶ શાઉલના ચાકરોએ એ શબ્દો દાઉદના કાનમાં કહ્યા. દાઉદે કહ્યું, હું કંગાળ અને વિસાત વગરનો માણસ છું.” છતાં હું રાજાનો જમાઈ થાઉં એ વાત તમને નજીવી લાગે છે?’”
૨૪
શાઉલના ચાકરોએ દાઉદ જે બોલ્યો હતો તે વિષે શાઉલને જાણ કરી.
૨૫
¶ અને શાઉલે કહ્યું કે, તમારે દાઉદને એમ કહેવું, ‘રાજાને કશા પલ્લાની જરૂર નથી. રાજાના શત્રુઓ પર વેર વાળવા માટે કેવળ પલિસ્તીઓનાં સો અગ્રચર્મ જોઈએ છે.’ આવું કહેવામાં શાઉલનો બદઈરાદો હતો કે દાઉદ પલિસ્તીઓના હાથથી માર્યો જાય.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings