Skip to content
1 રાજઓ ૨:૩૬-૪૬

શિમઈને મારી નાખવામાં આવે છે

1 રાજઓ ૨:૩૬-૪૬
૩૬
પછી રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવીને તેને કહ્યું, “તું યરુશાલેમમાં ઘર બાંધીને ત્યાં રહે અને ત્યાંથી ક્યાંય જતો નહિ.
૩૭
કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન ખીણની પેલી પાર જાય, તો જરૂર જાણજે કે તે દિવસે તું ચોક્કસ મરણ પામીશ. તારું લોહી તારે પોતાને માથે આવશે.”
૩૮
તેથી શિમઈએ રાજાને કહ્યું, “તું જે કહે છે તે સારું છે. જેમ મારા માલિક રાજાએ કહ્યું તેમ તારો સેવક કરશે.” તેથી શિમઈ યરુશાલેમમાં ઘણા દિવસો સુધી રહ્યો.
૩૯
પણ ત્રણ વર્ષના અંતે, શિમઈના બે ચાકરો માકાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. તેની તેઓએ શિમઈને ખબર આપી, “જો, તારા ચાકરો ગાથમાં છે.”
૪૦
પછી શિમઈ ઊઠીને ગધેડા પર જીન બાંધીને પોતાના ચાકરોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને પોતાના ચાકરોને ગાથથી પાછા લાવ્યો.
૪૧
જયારે સુલેમાનને કહેવામાં આવ્યું કે શિમઈ યરુશાલેમથી રવાના થઈ ગાથ ગયો હતો અને પાછો આવી ગયો છે,
૪૨
ત્યારે રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવડાવીને કહ્યું, “શું મેં તને યહોવાહના સમ આપીને આગ્રહથી કહ્યું ન હતું, ‘જો તું અહીંથી રવાના થઈને ક્યાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે ચોક્કસ તારું મરણ થશે?’ પછી તેં મને કહ્યું હતું, ‘તું જે કહે છે તે સારું છે.’”
૪૩
તો પછી શા માટે તેં યહોવાહના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહિ?”
૪૪
વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું તારા હૃદયમાં સારી રીતે જાણે છે. માટે તારી દુષ્ટતા યહોવાહ તારે માથે પાછી વાળશે.
૪૫
પણ સુલેમાન રાજા તો આશીર્વાદિત થશે અને દાઉદનું રાજ્યાસન યહોવાહની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”
૪૬
અને રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા આપી અને તેણે બહાર નીકળીને શિમઈને મારી નાખ્યો. તેથી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options