1 રાજઓ ૨:૨૮-૩૫
૨૮
¶ યોઆબને એ સમાચાર મળ્યા, કેમ કે યોઆબે અદોનિયાનાનો પક્ષ લીધો, પણ તેણે આબ્શાલોમનો પક્ષ લીધો ન હતો. તેથી યોઆબે યહોવાહના મંડપમાં નાસી જઈને વેદીના શિંગ પકડ્યાં.
૨૯
સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યોઆબ યહોવાહના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને મારી નાખ.”
૩૦
¶ તેથી બનાયાએ યહોવાહના મંડપમાં આવીને તેને કહ્યું, “રાજા કહે છે, ‘બહાર આવ.’ યોઆબે જવાબ આપ્યો, “ના, હું તો અહીં મરણ પામીશ.” તેથી બનાયાએ રાજાની પાસે આવીને કહ્યું જણાવ્યું, “યોઆબે કહ્યું છે કે તે વેદી પાસે મરણ પામવા ઇચ્છે છે.”
૩૧
રાજાએ તેને કહ્યું, “તેના કહ્યા પ્રમાણે કર. તેને મારી નાખ અને દફનાવી દે, કે જેથી યોઆબે વગર કારણે પાડેલા લોહીનો દોષ તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે.
૩૨
¶ તેણે વહેવડાવેલું લોહી ઈશ્વર તેના પોતાના માથા પર પાછું વાળશે, કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી એવા બે સારા માણસો પર, એટલે નેરના દીકરા એટલે ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર હુમલો કરીને તેઓને તલવારથી મારી નાખ્યા.
૩૩
તેથી તેઓનું લોહી યોઆબના માથા પર તથા તેના વંશજોના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને, તથા તેના રાજ્યાસનને યહોવાહ તરફથી સર્વકાળ શાંતિ મળશે.”
૩૪
¶ પછી યહોયાદાના દીકરા બનાયાએ જઈને યોઆબ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દફનાવવામાં આવ્યો.
૩૫
તેની જગ્યાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ તરીકે અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક તરીકે નીમ્યા.
Settings