રોમનોને પત્ર ૮:૨૮-૩૯
૨૮
¶ આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
૨૯
કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય.
૩૦
વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.
૩૧
¶ ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ?
૩૨
જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?
૩૩
¶ ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે;
૩૪
તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.
૩૫
¶ ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર?
૩૬
જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”
૩૭
¶ તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ.
૩૮
કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ,
૩૯
ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.
Settings