નીતિવચનો ૬:૧-૧૮
૧
મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,
૨
તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે.
૩
મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.
૪
તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.
૫
જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
૬
હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.
૭
તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી.
૮
છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.
૯
ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે?
૧૦
તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”
૧૧
તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
૧૨
નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,
૧૩
તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.
૧૪
તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.
૧૫
તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.
૧૬
છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:
૧૭
એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,
૧૮
દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings