Skip to content
ન્યાયાધીશો ૭:૮-૧૬

ન્યાયાધીશો ૭:૮-૧૬

૮
માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.
૯
તે જ રાત્રે એમ થયું કે, ઈશ્વરે તેને કહ્યું કે, “ઊઠ! છાવણી પર હુમલો કર, કેમ કે તે પર હું તને વિજય આપીશ.
૧૦
પણ જો તું ત્યાં જતા ગભરાતો હોય, તો તું તથા તારો દાસ પુરાહ છાવણીમાં જાઓ,
૧૧
તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે.” તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.
૧૨
મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના સર્વ લોકો મેદાનની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. તેઓના ઊંટો સમુદ્રના કાંઠાની રેતી જેટલાં અગણિત હતાં.
૧૩
જયારે ગિદિયોન ત્યાં આવ્યો, ત્યારે ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને એક સ્વપ્ન વિષે કહી સંભળાવતો હતો. તે માણસે કહ્યું, “જુઓ! મને એક સ્વપ્ન આવ્યું અને મેં જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડતી જોઈ. તે તંબુની પાસે આવી, તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, તેને એવો ઊથલાવી નાખ્યો કે તે જમીનદોસ્ત થયો.”
૧૪
બીજા માણસે કહ્યું, “એ તો યોઆશના દીકરા, ગિદિયોનની તલવાર વગર બીજું કંઈ નથી. ઈશ્વરે મિદ્યાનીઓ તથા તેના સર્વ સૈન્યને તેના હાથમાં સોંપ્યાં છે.”
૧૫
જયારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે તેણે નમીને આરાધના કરી. ઇઝરાયલની છાવણીમાં પાછો આવીને તેણે કહ્યું, “ઊઠો! કેમ કે ઈશ્વરે મિદ્યાનીઓના સૈન્યને આપણા હાથમાં સોંપ્યું છે.”
૧૬
તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options