Skip to content
ન્યાયાધીશો ૬:૬-૧૯

ન્યાયાધીશો ૬:૬-૧૯

૬
મિદ્યાનીઓએ ઇઝરાયલીઓને કંગાલ બનાવી દીધા, તેથી ઇઝરાયલી લોકોએ ઈશ્વરની આગળ પોકાર કર્યો.
૭
જયારે ઇઝરાયલી લોકોએ મિદ્યાનીઓના ત્રાસ ને કારણે ઈશ્વરની આગળ પોકાર કર્યો ત્યારે,
૮
ઈશ્વરે ઇઝરાયલી લોકો માટે પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે: ‘હું તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો અને ગુલામીમાંથી મુક્ત કર્યા.
૯
મેં તમને મિસરીઓના હાથમાંથી અને તમારા પર જુલમ ગુજારનારાઓના હાથમાંથી છોડાવ્યાં. મેં તેઓને તમારી આગળથી કાઢી મૂકીને તેઓનો દેશ તમને આપ્યો.
૧૦
મેં તમને કહ્યું, “હું ઈશ્વર તમારો પ્રભુ છું; મેં તમને આજ્ઞા કરી હતી, જે કોઈ દેશમાં તમે રહો ત્યાં અમોરીઓના દેવોની પૂજા કરવી નહિ.” પણ તમે મારી વાણીનું પાલન કર્યું નથી.’”
૧૧
પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં ઝૂડતો હતો.
૧૨
ઈશ્વરના દૂતે તેને દર્શન આપીને તેને કહ્યું, “પરાક્રમી શૂરવીર, ઈશ્વર તારી સાથે છે!”
૧૩
ગિદિયોને તેને કહ્યું, “મારા માલિક, જો ઈશ્વર અમારી સાથે હોય, તો શા માટે આ બધું અમારી પર આવી પડે છે? તેમનાં અદ્દભુત કાર્યો વિષે અમારા પિતૃઓએ અમને જણાવ્યું છે, તેઓએ કહ્યું ‘શું ઈશ્વર અમને મિસરમાંથી કાઢી લાવ્યા નથી?’ તોપણ તેમણે તો અમને તજી દીધા છે અને અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”
૧૪
ઈશ્વરે તેના તરફ કૃપાદ્રષ્ટિ કરીને કહ્યું, “તું તારા આ સામર્થ્ય દ્વારા આગળ વધ. ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથમાંથી બચાવ. મેં તને મોકલ્યો નથી શું?”
૧૫
ગિદિયોને તેને કહ્યું, “કૃપા કરી, પ્રભુ, હું કેવી રીતે ઇઝરાયલને બચાવું? જુઓ, મનાશ્શામાં મારું કુટુંબ કમજોર છે અને હું મારા પિતાના ઘરમાં સૌથી નાનો છું.”
૧૬
ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે રહીશ અને તું મિદ્યાનીઓના સમગ્ર સૈન્યને એકલો મારશે.”
૧૭
ગિદિયોને તેમને કહ્યું, “જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો.
૧૮
જ્યાં સુધી હું તમારી પાસે આવું અને અર્પણ લઈને તમારી આગળ મૂકું, ત્યાં સુધી કૃપા કરીને અહીંથી જશો નહિ.” ઈશ્વરે કહ્યું, “જ્યાં સુધી તું પાછો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.”
૧૯
ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options