Skip to content
યહોશુઆ ૨૪:૧-૧૩

યહોશુઆ ૨૪:૧-૧૩

યહોશુઆએ ઇઝરાયલના સર્વ કુળોને શખેમમાં ભેગાં કર્યા. ઇઝરાયલના વડીલોને, તેઓના આગેવાનોને, વડાઓને, ન્યાયાધીશોને, તેઓના અધિકારીઓને બોલાવ્યા અને તેઓ યહોવાહની સમક્ષ ઉપસ્થિત થયા.
યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “ઇઝરાયલના યહોવાહ, કહે છે કે, ‘પૂર્વકાળે તમારા પૂર્વજ ઇબ્રાહિમના પિતા તથા નાહોરના પિતા તેરાહ ફ્રાત નદીને પેલે પાર વસેલા હતા. તેઓ અન્ય દેવોની પૂજાભક્તિ કરતા હતા.
પણ હું તમારા પિતા ઇબ્રાહિમને ફ્રાત નદીની પેલી પારથી કનાન દેશમાં દોરી લાવ્યો અને તેના દીકરા ઇસહાક દ્વારા મેં તેને ઘણાં સંતાનો આપ્યાં.
મેં ઇસહાકને બે દીકરા યાકૂબ તથા એસાવ આપ્યાં. મેં વતન તરીકે એસાવને સેઈર પર્વતનો પ્રદેશ આપ્યો, પણ યાકૂબ અને તેના દીકરાઓ મિસરમાં જઈને રહ્યા.
પછી મેં મૂસાને તથા હારુનને મોકલ્યા અને મરકીથી મિસરીઓને મેં પીડિત કર્યા. ત્યાર પછી હું તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યો.
હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો. ચાલતા ચાલતા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા. ત્યારે મિસરીઓ રથો તથા ઘોડેસવારો સાથે લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ ચડી આવ્યા.
ત્યારે તમારા પૂર્વજોએ યહોવાહને પોકાર કર્યો, એટલે યહોવાહે તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાહે તેઓ પર સમુદ્રનાં પાણી લાવીને તેઓને ડુબાવી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણાં દિવસો સુધી અરણ્યમાં રહ્યા.
જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસેલા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો. તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું. અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. તમે તેઓના દેશ કબજે કરી લીધો. અને મેં તમારી આગળ તેઓનો સંહાર કર્યો.
પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઊઠીને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. તેણે તમને શાપ દેવા સારુ બેઓરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો.
૧૦
પણ મેં બલામનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશીર્વાદ આપ્યો હતો. આ રીતે મેં તમને તેના હાથમાંથી છોડાવ્યાં.
૧૧
પછી તમે યર્દનથી પાર ઊતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખોના આગેવાનો, અમોરી, પરિઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા.
૧૨
વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી, તેઓએ અમોરીઓના બે રાજાઓને તમારી આગળથી નસાડી મૂક્યા. આ બધું કંઈ તમારી તલવારથી કે તમારા ધનુષ્યથી થયું નહોતું!
૧૩
જે દેશ માટે તમે શ્રમ કર્યો નહોતો અને જે નગરો તમે બાંધ્યા નહોતાં તે મેં તમને આપ્યાં છે, હવે તમે તેમાં રહો છો. જે દ્રાક્ષવાડીઓ તથા જૈતૂનવાડીઓ તમે રોપી નહોતી તેઓનાં ફળ તમે ખાઓ છો.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options