યર્મિયા ૪૮:૧-૨૦
૧
¶ ઇઝરાયલના ઈશ્વર યહોવાહ મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે; “નબોને અફસોસ, તે નષ્ટ થઈ ગયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે અને પાયમાલ થયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે.
૨
મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે તેને દેશ તરીકે ભૂંસી નાખીએ. માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તલવાર તારો પીછો કરશે.’
૩
સાંભળો! હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે ત્યાં લૂંટ અને ભારે વિનાશ છે.
૪
મોઆબ નષ્ટ થઈ ગયું છે, સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે.
૫
કેમ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઊતરે છે.
૬
નાસો, તમારો જીવ લઈને નાસો. વગડાનાં જંગલી વૃક્ષ જેવા થાઓ.
૭
કેમ કે તમે પોતાની સંપત્તિ અને કામો પર વિશ્વાસ રાખ્યો છે, તમને પણ પકડવામાં આવશે. તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે, તેના યાજકો અને સરદારો તેની સાથે જશે.
૮
દરેક નગર પર વિનાશ ઊતરશે, એક પણ શહેર બચવા પામશે નહિ. ખીણ નાશ પામશે અને મેદાન પાયમાલ થશે. એવું યહોવાહ કહે છે.
૯
મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય. તેનાં નગરો વસ્તી વિનાના ઉજ્જડ થઈ જશે.
૧૦
જે કોઈ યહોવાહનું કામ કરવા સારું આળસુ હોય તે શાપિત થાઓ! જે માણસ તલવારથી રક્તપાત કરતા નથી તે શાપિત થાઓ!
૧૧
મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે. તે દ્રાક્ષારસ જેવો છે. તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ હંમેશ જેવો જ રહ્યો છે; અને તેની સુગંધ બદલાઈ નથી.
૧૨
યહોવાહ કહે છે કે, તેથી જુઓ, એવો સમય આવે છે કે’ જે સમયે હું તેઓની પાસે ઊલટસુલટ કરનારા મોકલીશ. તેઓ તેને ઊલટપાલટ કરશે. તેઓ તેના પાત્રો ખાલી કરશે. તેમની બરણીઓ ફોડી નાખશે.
૧૩
¶ જેમ ઇઝરાયલીઓ બેથેલ પર વિશ્વાસ રાખી અને ફજેત થયા છે. તેમ કમોશ પર વિશ્વાસ રાખીને મોઆબ ફજેત થશે.
૧૪
અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ એવું તમે કેવી રીતે કહી શકો છો?
૧૫
જે રાજાનું નામ સૈન્યોના યહોવાહ છે તે કહે છે કે, મોઆબ ઉજ્જડ થયો છે. અને તેનાં નગરોમાં શત્રુઓ ઘૂસી ગયા છે. તેના શ્રેષ્ઠ જુવાનો, કતલ થવા માટે જ ઊતરી ગયા છે.
૧૬
હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે, એનું પતન વાયુવેગે આવી રહ્યું છે.
૧૭
હે મોઆબની આસપાસના લોક, તેનું નામ જાણનારા, વિલાપ કરો. અને કહો કે, શક્તિનો દંડ, સૌંદર્યની છડી કેવી ભાગી ગઈ છે.’
૧૮
હે દીબોનમાં રહેનારી દીકરી, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરી અને તરસી થઈને બેસ. કેમ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.
૧૯
હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?’
૨૦
મોઆબ લજ્જિત થઈ ગયું છે. તેની પાયમાલી થઈ ગઈ છે. રડો વિલાપ કરો. આર્નોનમાં ખબર આપો કે, મોઆબ ઉજ્જડ થયો છે.
Settings