Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૨૩

પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૨૩

હવે તેને બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં શહેરની પાસે આવી પહોંચ્યા, તેવામાં આશરે બપોરના સમયે પિતર પ્રાર્થના કરવાને ઘરની અગાશી પર ગયો.
૧૦
તે ભૂખ્યો થયો, અને તેને ભોજન કરવાની ઇચ્છા થઈ; પરંતુ તેઓ રસોઈ તૈયાર કરતા હતા તે સમયે પિતર મૂર્છાગત થયો;
૧૧
અને સ્વર્ગ ખુલ્લું થયેલું તથા મોટી ચાદરનાં જેવું એક વાસણ તેના ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઊતરી આવતું તેણે નિહાળ્યું.
૧૨
તેમાં પૃથ્વી પરનાં સર્વ જાતનાં ચોપગા તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં.
૧૩
ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે, પિતર, ઊઠ; મારીને ખા.
૧૪
પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.
૧૫
ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
૧૬
એમ ત્રણ વાર થયું; પછી તરત તે વાસણ સ્વર્ગમાં પાછું ખેંચી લેવામાં આવ્યું.
૧૭
હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ મૂંઝાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતાં પૂછતાં બારણા આગળ આવીને ઊભા રહ્યા.
૧૮
તેઓએ હાંક મારીને પૂછ્યું કે, સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં રોકાયેલ છે?
૧૯
હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે આત્માએ તેને કહ્યું કે, જો, ત્રણ માણસો તને શોધે છે.
૨૦
માટે તું ઊઠ અને નીચે ઊતરીને કંઈ સંદેહ રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે.
૨૧
ત્યારે પિતર ઊતરીને તે માણસો પાસે ગયો, અને કહ્યું કે, જુઓ, જેને તમે શોધો છો તે હું છું, તમે શા માટે આવ્યા છો?
૨૨
ત્યારે તેઓએ કહ્યું કે, કર્નેલ્યસ નામે એક સેનાપતિ જે ન્યાયી તથા ઈશ્વરનું સન્માન જાળવનાર વ્યક્તિ છે, અને તેને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેને પવિત્ર સ્વર્ગદૂતની મારફતે આજ્ઞા મળી છે કે તે તને તેના ઘરે તેડાવીને તારી વાતો સાંભળે.
૨૩
ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને મહેમાન તરીકે ઘરમાં રાખ્યા. બીજા દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંનાં કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options