2 કાળવ્રત્તાંત ૩૪:૨૨-૨૮
૨૨
¶ તેથી હિલ્કિયા અને રાજાએ જે માણસોને આજ્ઞા આપી હતી તે સર્વ પોશાકખાતાના ઉપરી, હાસ્રાના પુત્ર, તોક્હાથના પુત્ર, શાલ્લુમની પત્ની હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમના બીજા વિભાગમાં રહેતી હતી. તેઓએ તેની સાથે આ રીતે વાત કરી.
૨૩
¶ તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “જે માણસે તમને મોકલ્યા છે તેને આમ કહો,
૨૪
“ઈશ્વર કહે છે કે, ‘જુઓ, હું આ જગ્યા પર અને એના રહેવાસીઓ પર આફત ઉતારનાર છું, યહૂદિયાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્તકમાં લખેલા બધા શાપો અમલમાં હું લાવનાર છું.
૨૫
કારણ, તે લોકોએ મને છોડી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને પોતાનાં બધાં કૃત્યોથી તેઓએ મને રોષ ચઢાવ્યો છે. તેથી મારો રોષ આ જગ્યા પર સળગશે અને હોલવાશે નહિ.’”
૨૬
¶ પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: “ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે
૨૭
જયારે આ જગ્યા અને તેના રહેવાસીઓ વિરુદ્ધમાં મારાં વચનો તેં સાંભળ્યાં ત્યારે તારું હૃદય પીગળી ગયું હતું અને મારી આગળ તું દીન બન્યો હતો. તેં તારાં વસ્ત્ર ફાડ્યાં અને મારી સમક્ષ તું રડ્યો તેથી મેં તારી અરજ સાંભળી છે - એમ ઈશ્વર કહે છે.
૨૮
‘જો, હું આ જગ્યા અને તેના રહેવાસીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તું તારી નજરે જોઈશ નહિ, તે પહેલાં તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઈને તેઓ રાજા પાસે પાછા ગયા.
Settings