1 શમુએલ ૧૬:૧-૧૩
૧
¶ ઈશ્વરે શમુએલને કહ્યું કે, “ક્યાં સુધી તું શાઉલને માટે શોક કરશે? મેં તેને ઇઝરાયલનાં રાજપદેથી નકાર્યો છે. તારું શિંગ તેલથી ભરીને જા. હું તને યિશાઈ બેથલેહેમી પાસે મોકલું છું. કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારુ રાજા થવા નિર્માણ કરી રાખ્યો છે.”
૨
¶ શમુએલે કહ્યું, “મારાથી કેવી રીતે જવાય? જો શાઉલ જાણી જાય તો તે મને મારી નાખશે.” ઈશ્વરે કહ્યું, “તારી સાથે એક વાછરડી લે અને કહે કે, હું ઈશ્વરના માટે બલિદાન કરવા સારુ આવ્યો છું.’
૩
યિશાઈને યજ્ઞ કરવા બોલાવજે અને તારે શું કરવું તે હું તને બતાવીશ. હું જેનું નામ તને કહું તેનો મારે સારુ અભિષેક કરજે.”
૪
¶ ઈશ્વરનાં કહ્યા પ્રમાણે શમુએલ બેથલેહેમ ગયો. નગરના વડીલો જયારે તેને મળવા આવ્યા ત્યારે તેઓએ ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું, “શું તું સલાહશાંતિપૂર્વક આવ્યો છે?”
૫
તેણે કહ્યું,” હા સલાહશાંતિપૂર્વક; હું ઈશ્વરને યજ્ઞાર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો.” અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પવિત્ર કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા.
૬
¶ જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે અલિયાબની તરફ જોઈને મનમાં પોતાને કહ્યું કે નિશ્ચે ઈશ્વરનો અભિષિક્ત તેની સંમુખ તે જ છે.
૭
પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, “તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે.”
૮
¶ પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું કે, “ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી.”
૯
પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, “ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી.”
૧૦
એ પ્રમાણે યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલ આગળ રજૂ કર્યા. પરંતુ શમુએલે યિશાઈને કહ્યું, “ઈશ્વરે આમાંથી કોઈને પણ પસંદ કર્યો નથી.”
૧૧
¶ પછી શમુએલે યિશાઈને કહ્યું, “શું તારા સર્વ દીકરાઓ અહીં છે?” તેણે જવાબ આપ્યો, “હજી નાનો બાકી રહ્યો છે, પણ તે ઘેટાં સંભાળે છે.” શમુએલે યિશાઈને કહ્યું,” માણસ મોકલીને તેને તેડાવી મંગાવ; કેમ કે જ્યાં સુધી તે અહીં આવશે નહિ ત્યાં સુધી અમે જમવા નહિ બેસીએ.”
૧૨
યિશાઈએ માણસો મોકલ્યા અને તેઓ તેને તેડી લાવ્યા. તે રક્તવર્ણો હતો. તે દેખાવડો હતો. તેની આંખો સુંદર હતી. ઈશ્વરે કહ્યું, “ઊઠીને, તેનો અભિષેક કર; કેમ કે તે એ જ છે.”
૧૩
¶ પછી શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. તે દિવસથી ઈશ્વરનો આત્મા દાઉદ ઉપર પરાક્રમ સહિત આવ્યો. પછી શમુએલ રામામાં પરત ગયો.
Settings