Skip to content
1 રાજઓ ૧૦:૧-૧૩

શેબાની રાણી સુલેમાનને મળે છે

1 રાજઓ ૧૦:૧-૧૩
જયારે શેબાની રાણીએ યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી.
તે ઘણા અમલદારો અને ઊંટો લઈને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.
સુલેમાને તેના તમામ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેણે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો આપવાની જાણકારી સુલેમાન ધરાવતો હતો.
જયારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વ જ્ઞાન, તેનો બાંધેલો મહેલ,
તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાહના ભક્તિસ્થાનમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો તે જોયાં, ત્યારે આભી બની ગઈ.
તેણે રાજાને કહ્યું, “તમારાં કૃત્યો વિષે તથા તમારા જ્ઞાન વિષે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે સાચી છે.
મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. મને તો અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે.
તમારા લોકો ઘણા આશીર્વાદિત છે અને તમારા સેવકો પણ ખૂબ આશીર્વાદિત છે, તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા ડહાપણનો લાભ લે છે!
તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!”
૧૦
શેબાની રાણીએ સુલેમાન રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી તેને મળ્યાં ન હતા.
૧૧
હીરામનાં વહાણો ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે વહાણો પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં.
૧૨
રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાહના સભાસ્થાનને માટે તથા રાજાના મહેલને માટે સ્તંભો તથા ગાનારાઓને માટે વીણા અને તંબૂરા બનાવ્યા. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિવસ સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.
૧૩
શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઇચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું, તે ઉપરાંત સુલેમાને પોતાની બક્ષિશો તેને આપી. પછી તે પછી વળીને પોતાના ચાકરો સાથે પરત પોતાના દેશમાં ગઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options