Skip to content
ગણના ૯:૧-૧૪

ગણના ૯:૧-૧૪

૧
મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,
૨
“ઇઝરાયલીઓ વર્ષના ઠરાવેલા સમયે પાસ્ખાપર્વ પાળે.
૩
આ મહિનાને ચૌદમે દિવસે સાંજે નિયત સમયે પાસ્ખાપર્વ પાળો. એને લગતા બધા નિયમો અને વિધિઓ મુજબ તેનું પાલન કરો.”
૪
તેથી, ઇઝરાયલીઓને મૂસાએ કહ્યું કે તમારે પાસ્ખાપર્વ પાળવું.
૫
અને પ્રથમ મહિનાના ચૌદમા દિવસે સાંજે સિનાઈના અરણ્યમાં તેઓએ પાસ્ખાપર્વ પાળ્યું. જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલીઓએ કર્યું.
૬
કેટલાક માણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા અને તેઓ તે દિવસે મૂસા અને હારુનની પાસે આવ્યા.
૭
તેઓએ મૂસાને કહ્યું કે, “અમે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. ઇઝરાયલીઓ તેને માટે નિયત સમયે યહોવાહને અર્પણ કરે છે. તો અમને શા માટે એવું કરવાની મનાઈ કરવામાં આવે છે?”
૮
મૂસાએ તેઓને કહ્યું કે, “યહોવાહ તમારા વિષે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું ત્યાં સુધી ઊભા રહો.”
૯
યહોવાહે મૂસાને કહ્યું કે,
૧૦
“ઇઝરાયલપ્રજાને આ પ્રમાણે કહે કે, જો તમારામાંનો અથવા તમારા સંતાનોમાંનો કોઈ શબના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર મુસાફરી કરતો હોય, તો પણ તે યહોવાહનું પાસ્ખાપર્વ પાળે.’”
૧૧
બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજે તેઓ તે પર્વ પાળે અને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય.
૧૨
એમાંનું કશું તેઓ સવાર સુધી રહેવા દે નહિ, તેમ જ તેનું એકેય હાડકું ભાંગે નહિ. પાસ્ખાપર્વના સર્વ નિયમોનું પાલન તેઓ કરે.
૧૩
પણ જો કોઈ માણસ શુદ્ધ હોવા છતાં અને મુસાફરીમાં હોવા ન છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે તે પોતાનાં લોકોથી અલગ કરાય. કેમ કે, તેણે નિયત સમયે યહોવાહને અર્પણ કર્યું નહિ, તેથી તે માણસનું પાપ તેને માથે.
૧૪
અને જો કોઈ પરદેશી તમારામાં રહેતો હોય અને તે યહોવાહને માટે પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે તે પાળે. દેશના વતની તથા પરદેશી સૌને માટે સરખો જ નિયમ છે.”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options