માથ્થી ૧૨:૨૨-૩૭
૨૨
¶ ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.
૨૩
સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”
૨૪
¶ પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
૨૫
ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પાડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પાડે, તે સ્થિર નહિ રહેશે.
૨૬
¶ જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?
૨૭
જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
૨૮
¶ પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
૨૯
વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
૩૦
જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
૩૧
¶ એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે.
૩૨
માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.
૩૩
¶ ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.
૩૪
ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
૩૫
સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.
૩૬
¶ વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
૩૭
કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”
Settings