લૂક ૭:૨૪-૩૫
૨૪
¶ યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, ‘અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
૨૫
પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્ર પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર વસ્ત્ર પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે!
૨૬
પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને.
૨૭
¶ જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે.
૨૮
હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.’”
૨૯
¶ એ સાંભળીને બધા લોકોએ તથા દાણીઓએ યોહાનના બાપ્તિસ્માના કારણે, ‘ઈશ્વર ન્યાયી છે’ એમ કબૂલ કર્યું.
૩૦
પણ ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નકાર કર્યા.
૩૧
¶ ‘આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોનાં જેવા છે?
૩૨
તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.
૩૩
¶ કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.
૩૪
માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર!
૩૫
પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.’”
Settings