યર્મિયાનો વિલાપ ૨:૧૧-૨૦
૧૧
રડી રડીને મારી આંખો લાલ થઈ છે; મારી આંતરડી કકળે છે. મારા લોકોની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે, કેમ કે છોકરાં તથા સ્તનપાન કરતાં બાળકો રાજમાર્ગ પર મૂર્ચ્છિત થાય છે.
૧૨
તેઓ પોતાની માતાઓને કહે છે, “અનાજ અને દ્રાક્ષારસ ક્યાં છે?” નગરની શેરીઓમાં ઘાયલ થયેલાની જેમ તેઓને મૂર્છા આવે છે, તેઓ તેઓની માતાના ખોળામાં મરણ પામે છે.
૧૩
હે યરુશાલેમની દીકરી, હું તારા વિષે તને શું કહું? હે સિયોનની કુંવારી દીકરી, હું તને કોની સાથે સરખાવું? તારો ઘા સમુદ્ર જેટલો ઊંડો છે. તને કોણ સાજી કરશે?
૧૪
તારા પ્રબોધકોએ તારે સારુ નિરર્થક તથા મુર્ખામીભર્યા સંદર્શનો જોયાં છે. તેઓએ તારો અન્યાય ઉઘાડો કર્યો નહિ, કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાત, પણ તમારે માટે અસત્ય વચનો તથા પ્રલોભનો જોયા છે.
૧૫
જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે, “જે નગરને લોકો ‘સુંદરતાની સંપૂર્ણતા’ તથા ‘આખી પૃથ્વીનું આનંદસ્પદ કહેતા હતા, તે શું આ છે?”
૧૬
તારા સર્વ શત્રુઓ તારા પર પોતાનું મુખ ઉઘાડીને હાંસી ઉડાવે છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની અમે રાહ જોતા હતા તે ચોક્કસ આ જ છે! તે અમને પ્રાપ્ત થયો છે! અમે તેને જોયો છે!”
૧૭
યહોવાહે જે વિચાર્યું તે તેમણે કર્યું છે. પોતાનું જે વચન તેમણે પ્રાચીન કાળમાં ફરમાવ્યું હતું તે તેમણે પૂરું કર્યું છે. દયા રાખ્યા વગર તેમણે તેને તોડી પાડ્યું છે, તારો શત્રુ તારા હાલ જોઈને હરખાય, એવું તેમણે કર્યું છે; તેમણે તારા દુશ્મનોનું શિંગડાં ઊંચું ચઢાવ્યું છે.
૧૮
તેઓના હૃદય પ્રભુને પોકારતા હતા, “હે સિયોનની દીકરીના કોટ, તારી આંખમાંથી રાતદિવસ આંસુઓ નદીની જેમ વહેતાં જાય; પોતાને વિસામો ન આપ. તારી આંખની કીકીને સુકાવા ન દે.
૧૯
તું રાત્રીના પ્રથમ પહોરે ઊઠીને મોટેથી પ્રાર્થના કર; પ્રભુની સમક્ષ હૃદયને પાણીની જેમ વહાવ. તારાં જે બાળકો સર્વ શેરીઓના નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ બચાવવાને માટે તારા હાથ તેમની તરફ ઊંચા કર.”
૨૦
હે યહોવાહ, જુઓ અને વિચાર કરો કે તમે કોને આવું દુઃખ આપ્યું છે. શું સ્ત્રીઓ પોતાના સંતાનોને, એટલે સ્તનપાન કરાવેલા બાળકનો ભક્ષ કરે? શું યાજક તથા પ્રબોધક પ્રભુના પવિત્રસ્થાનમાં માર્યા જાય?
Settings