ન્યાયાધીશો ૯:૭-૨૧
૭
¶ જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, “ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે.
૮
એકવાર અંજીરના વૃક્ષો એક રાજાને અભિષેક વડે તેઓના પોતાના પર નીમવાને ગયાં. અને તેઓએ જૈતૂનવૃક્ષને કહ્યું, ‘અમારા પર રાજ કર.’”
૯
¶ પણ જૈતૂનવૃક્ષે તેઓને કહ્યું, ‘હું તો ઈશ્વરના અને માણસના સન્માનને માટે વપરાઉં છું, તે પડતું મૂકીને હું શા માટે અન્ય વૃક્ષો પર પ્રભાવ પાડવા જાઉં?’
૧૦
પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’
૧૧
પણ અંજીરીના વૃક્ષે તેઓને કહ્યું, ‘મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકી દેવા જોઈએ, જેથી બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે હું શા માટે આવું?’”
૧૨
¶ વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’
૧૩
દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?’
૧૪
પછી સર્વ વૃક્ષોએ ઝાંખરાંને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’”
૧૫
¶ ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં દેવદાર વૃક્ષોને બાળી નાખો.’
૧૬
તેથી હવે, જયારે તમે અબીમેલેખને રાજા બનાવ્યો, ત્યારે તમે જો સત્યતાથી તથા પ્રામાણિકપણે વર્ત્યા હોય અને જો તમે યરુબાલ તથા તેના ઘરનાંની સાથે સારી રીતે વર્ત્યા હોય, જો જેવો તે યોગ્ય હોય તેવી જ તમે તેને સજા કરી હોય.
૧૭
¶ અને તમે વિચારો છો કે મારા પિતાએ તમારે સારુ લડાઈ કરી છે, પોતાનો જીવ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યાં.
૧૮
પણ આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ ઊભા થયા છો અને તેના સિત્તેર પુત્રોને એક પથ્થર પર મારી નાખ્યા છે. અને તમે તેની દાસીના પુત્ર અબીમેલેખને શખેમનાં આગેવાનો પર રાજા બનાવ્યો, કેમ કે તે તમારો સંબંધી છે.
૧૯
¶ ત્યારે જો તમે યરુબાલની તથા તેના ઘરનાંની સાથે પ્રામાણિકતાથી તથા સત્યનિષ્ઠતાથી વર્ત્યા હોય, તો તમે અબીમેલેખમાં આનંદ કરો અને તેને પણ તમારામાં આનંદ કરવા દો.
૨૦
પણ જો તેમ નહિ, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો અને શખેમના માણસોને તથા મિલ્લોના ઘરનાઓને બાળી નાખો. અને શખેમના માણસોમાંથી તથા બેથ-મિલ્લોમાંથી અગ્નિ નીકળો અને અબીમેલેખને બાળી નાખો.”
૨૧
યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો. કેમ કે તે તેના ભાઈ, અબીમેલેખથી ઘણું દૂર હતું.
Settings