યોહાન ૧૫:૧-૧૭
૧
¶ ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.
૨
મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.
૩
¶ જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો.
૪
તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.
૫
¶ હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.
૬
જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે.
૭
જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.
૮
¶ તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો.
૯
જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો.
૧૦
¶ જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
૧૧
મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.
૧૨
¶ મારી આજ્ઞા એ છે કે, ‘જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.’”
૧૩
પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.
૧૪
¶ જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્ર છો.
૧૫
હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.
૧૬
¶ તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે.
૧૭
તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.
Settings