Skip to content
યર્મિયા ૪૬:૧૩-૨૬

યર્મિયા ૪૬:૧૩-૨૬

૧૩
મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સાર ના આવવા વિષે, જે વચન યહોવાહે યર્મિયા પ્રબોધકને કહ્યું તે;
૧૪
“મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં તેમ જ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, હોશિયાર, તૈયાર તમારી આસપાસ તલવારે વિનાશ કર્યો છે.
૧૫
શા માટે તારા બહાદુર યોદ્ધા નાસી ગયા છે? તેઓ સામનો ન કરી શક્યા, કેમ કે યહોવાહે તેઓને તેઓના શત્રુઓની સામે નીચા પાડી નાખ્યા.
૧૬
તેણે તેઓને લથડતા કરી દીધા છે. તેઓ એકબીજા પર પડીને કહેવા લાગ્યા કે, “ચાલો; ઊઠો આ જુલમગારની તલવારથી બચવાને આપણે આપણા લોકમાં અને આપણી કુટુંબમાં પાછા જઈએ.”
૧૭
ત્યાં તેઓએ પોકારીને કહ્યું કે, “મિસરનો રાજા ફારુન કેવળ ઘોંઘાટ છે તેણે આવેલી તક ગુમાવી છે.”
૧૮
જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે, તે કહે છે, “મારા જીવના સમ’ તાબોર પર્વત જેવો, સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે નિશ્ચે આવશે.
૧૯
હે મિસરમાં રહેનારી દીકરીઓ, તમારો સામાન બાંધો અને બંદીવાસમાં જવાને તૈયાર થાઓ. કેમ કે નોફ નગરનો સંપૂર્ણ નાશ થશે. અને તે વસતિહીન તથા ઉજ્જડ થશે.
૨૦
મિસર સુંદર યુવાન વાછરડી છે. પણ ઉત્તરમાંથી એક ડંક મારનાર માખી આવે છે. તે આવી રહ્યો છે.
૨૧
તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે. કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.
૨૨
નાસી જતા સર્પ જેવો તેઓનો અવાજ સંભળાશે. કેમ કે તેઓ સૈન્ય લઈને કૂચ કરશે. તેઓ લાકડાં ફાડનારા લોકોની જેમ કુહાડી લઈ તેના પર આવી પડશે.
૨૩
યહોવાહ કહે છે કે તે જંગલોને કાપી નાખશે’ “જો કે તે ખૂબ ગીચ છે. તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ અગણિત છે.
૨૪
મિસરની દીકરીનું અપમાન થશે. તેને ઉત્તરના લોકના હાથમાં સોંપવામાં આવશે.
૨૫
સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જુઓ, હવે હું નોનો શહેરના આમોનને, ફારુનને, મિસરને, તેના દેવોને તથા તેના રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓ સર્વને સજા કરીશ.
૨૬
હું તેઓને તેઓનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” એમ યહોવાહ કહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options