યશાયા ૬૬:૭-૧૪
૭
પ્રસૂતિની પીડા થાય તે અગાઉ તેને પ્રસવ થયો; પ્રસવવેદના પહેલા જ તેને છોકરો જન્મ્યો.
૮
આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો.
૯
¶ યહોવાહ પૂછે છે, શું હું માના પ્રસૂતિકાળને પાસે લાવીને પ્રસવ ન કરાવું? “હું જ જન્મ આપનાર છું અને હું જ ગર્ભસ્થાન બંધ કરું?” એવું યહોવાહ પૂછે છે.
૧૦
યરુશાલેમ પર પ્રેમ કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ અને આનંદ કરો; તેને લીધે શોક કરનારાઓ, તેની સાથે હરખાઓ.
૧૧
તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો.
૧૨
યહોવાહ એવું કહે છે: “હું તેના પર નદીની જેમ સમૃદ્ધિ ફેલાવીશ અને ઊભરાતા નાળાંની જેમ પ્રજાઓની સંપત્તિ રેડીશ. તમે સ્તનપાન કરશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવાશે.
૧૩
જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ.”
૧૪
તમે આ જોશો અને તમારું હૃદય હરખાશે અને તમારાં હાડકાં કુમળા ઘાસની જેમ ઊગશે. યહોવાહનો હાથ તેમના સેવકોના જાણવામાં આવશે પણ શત્રુઓ પર તે કોપાયમાન થશે.
Settings