Skip to content
ઊત્પત્તિ ૧૮:૧-૧૫

ઊત્પત્તિ ૧૮:૧-૧૫

બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું.
તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.
તેણે કહ્યું, “હે મારા પ્રભુ, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ.
હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો.
હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે કર.”
પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, “જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર.”
પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો.
તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
તેઓએ તેને કહ્યું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “ત્યાં, તંબુમાં છે.”
૧૦
યહોવાહે તેને કહ્યું, “હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે.” તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.
૧૧
હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી.
૧૨
તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, “હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?”
૧૩
ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “શા માટે સારા એમ કહેતાં હસી કે, ‘શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?’
૧૪
ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે.”
૧૫
પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, “હું તો હસી નથી, “કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, “ના, તું નિશ્ચે હસી છે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options