Skip to content
એસ્તેર ૨:૧-૧૪

એસ્તેર ૨:૧-૧૪

૧
જયારે અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમી ગયો, ત્યારે વાશ્તી રાણીએ જે કર્યું હતું તે અને તેની વિરુદ્ધ જે હુકમ જાહેર કરવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યાં.
૨
ત્યારે રાજાની ખિજમત કરનારા તેના માણસોએ કહ્યું, “રાજાને સારુ સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી.
૩
રાજાએ પોતાના રાજ્યના દરેક પ્રાંતોમાં આ કામને માટે અમલદારોને નીમવા જોઈએ. તેઓ સર્વ સૌંદર્યવાન જુવાન કુમારિકાઓને પસંદ કરીને સૂસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં હાજર કરે. અને તેઓને જોઈએ એવાં સુંગધી દ્રવ્યો પૂરા પાડવામાં આવે.
૪
તેઓમાંની જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકાને વાશ્તીને સ્થાને રાણીપદ આપવામાં આવે.” આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો.
૫
મોર્દખાય નામનો એક યહૂદી સૂસાના મહેલમાં રહેતો હતો. તે કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો.
૬
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યકોન્યાની સાથે યરુશાલેમથી જે બંદીવાનોને લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો.
૭
મોર્દખાયે પોતાના કાકાની દીકરી હદાસ્સા એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી. કેમ કે તેને માતાપિતા નહોતાં. કુમારિકા એસ્તેર સુંદર ક્રાંતિની તથા સ્વરૂપવાન હતી. તેનાં માતાપિતાના મૃત્યુ પછી મોર્દખાયે તેને પોતાની દીકરી તરીકે અપનાવી લીધી હતી.
૮
રાજાનો હુકમ તથા ઠરાવ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં લાવીને હેગેના હવાલામાં સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં હેગે ખોજાના હવાલામાં સોંપવામાં આવી.
૯
તે કુમારિકા તેને પસંદ પડી. તેથી તેના પર તેની મહેરબાની થઈ. તેણે એસ્તેર માટે તરત જ તેને જોઈએ તેવાં સુંગધીદ્રવ્યો, ઉતમ ભોજન તથા તેના મોભા પ્રમાણે સાત દાસીઓ પણ આપી, ઉપરાંત તેને અને તેની દાસીઓને રાજાના જનાનખાનામાં સહુથી ઉતમ ખંડો પણ આપ્યા.
૧૦
એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહિ; કારણ કે મોર્દખાયે તેને તેમ કરવાની ના પાડી હતી.
૧૧
એસ્તેરની શી હાલત છે અને તેનું શું થશે એ જાણવા માટે મોર્દખાય પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે આવજા કરતો હતો.
૧૨
સ્ત્રીઓની રીત પ્રમાણે દરેક કુમારિકાઓની માવજત બાર માસ સુધી કરાતી હતી. તેઓને તૈયાર કરવાના દિવસો આ પ્રમાણે પૂરા થતાં એટલે છ માસ બોળના તેલથી અને છ માસ સુગંધી પદાર્થો વડે તથા સ્ત્રીઓને પાવન કરનાર પદાર્થોથી કાળજી લઈ કન્યાઓને તૈયાર કરવામાં આવતી. પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં જવાનો તેનો વારો આવતો,
૧૩
ત્યારે નિયમ એવો હતો કે જનાનખાનામાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે.
૧૪
સાંજે તે મહેલમાં જતી અને સવારે બીજા જનાનખાનામાં રાજાનો ખોજો શાશ્ગાઝ જે ઉપપત્નીઓનો રક્ષક હતો, તેની દેખરેખ હેઠળ પાછી આવતી. અને રાજા તેનાથી સંતુષ્ટ થઈને તેના નામથી તેને બોલાવે તે સિવાય તે ફરીથી કદી રાજા પાસે જઈ શકતી ન હતી.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options