2 રાજઓ ૨:૧-૧૨
૧
¶ ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે, એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.
૨
એલિયાએ એલિશાને કહ્યું, “તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને બેથેલમાં મોકલે છે.” એલિશાએ કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” તેથી તેઓ બેથેલમાં ગયા.
૩
¶ બેથેલમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”
૪
એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.
૫
¶ પછી યરીખોમાં રહેતા પ્રબોધકોના દીકરાઓએ એલિશા પાસે આવીને તેને કહ્યું, “શું તું જાણે છે કે, ઈશ્વર આજે તારા ગુરુને તારા શિરેથી દૂર લઈ લેશે?” એલિશાએ કહ્યું, “હા, હું તે જાણું છું, પણ તમે તે વિષે કશી વાત કરશો નહિ.”
૬
અને એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે, ઈશ્વર મને યર્દન મોકલે છે.” એલિશાએ હહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” પછી તેઓ બંન્ને આગળ ચાલ્યા.
૭
¶ પ્રબોધકોના પચાસ દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બન્ને યર્દન નદીને કિનારે ઊભા રહ્યા.
૮
એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા.
૯
¶ તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”
૧૦
એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.”
૧૧
¶ તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો.
૧૨
એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, “ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!” પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા.
Settings