મુખ્ય સામગ્રી પર જાઓ
2 કાળવ્રત્તાંત ૩૫:૧-૯

2 કાળવ્રત્તાંત ૩૫:૧-૯

યોશિયાએ યરુશાલેમમાં યહોવાહના માટે પાસ્ખાપર્વ પાળ્યું; અને યોશિયા સહિત લોકોએ પ્રથમ મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું હલવાન કાપ્યું.
તેણે યાજકોને પોતપોતાને સ્થાને ફરી નિયુક્ત કર્યા અને તેઓને ઈશ્વરના ઘરમાં પોતાની ફરજ બજાવવા માટે ઉત્તેજન આપ્યું.
તેણે ઈશ્વરને માટે પવિત્ર થયેલા અને ઇઝરાયલને બોધ કરનાર લેવીઓને કહ્યું કે, “ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બંધાવેલા ઘરમાં પવિત્ર કોશને મૂકો. તમારે તેને ખભા પર ઊંચકવો નહિ. હવે તમે ઈશ્વર તમારા પ્રભુની અને તેમના લોકો, ઇઝરાયલીઓની સેવા કરો;
ઇઝરાયલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ.
તમારા ભાઈઓના પિતૃઓના કુટુંબોના વિભાગો અને વંશજો પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહો. અને લેવીઓના પિતૃઓના જુદાં જુદાં કુટુંબોના વિભાગ પ્રમાણે તમારું સ્થાન લો.
પાસ્ખાનું હલવાન કાપો; અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો.”
પાસ્ખાનાં અર્પણો માટે યોશિયાએ લોકોને ત્રીસ હજાર ઘેટાંબકરાંના હલવાનો અને લવારાં આપ્યાં. વળી તેણે ત્રણ હજાર બળદો પણ આપ્યાં. તે સર્વ રાજાની સંપત્તિમાંથી પાસ્ખાના અર્પણોને માટે આપવામાં આવ્યા હતાં.
તેના અધિકારીઓએ યાજકોને, લેવીઓને અને બાકીના લોકોને ઐચ્છિકાર્પણો આપ્યાં. ઈશ્વરના સભાસ્થાનના અધિકારીઓ હિલ્કિયા, ઝખાર્યા અને યહીએલ યાજકોને પાસ્ખાનાં અર્પણો તરીકે બે હજાર છસો ઘેટાંબકરાં તથા ત્રણસો બળદો આપ્યાં.
કોનાન્યાએ તથા તેના ભાઈઓએ, એટલે શમાયા તથા નથાનએલે અને લેવીઓના આગેવાનો હશાબ્યા, યેઈએલ તથા યોઝાબાદે લેવીઓને પાસ્ખાર્પણને માટે પાંચ હાજર ઘેટાંબકરાં તથા પાંચસો બળદો આપ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options