Skip to content
2 કાળવ્રત્તાંત ૨૪:૧૮-૨૭

2 કાળવ્રત્તાંત ૨૪:૧૮-૨૭

૧૮
તેઓએ તેમના પિતૃઓના પ્રભુ, ઈશ્વરના ઘરને તજી દીધું અને અશેરીમની તથા મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેઓના આ અપરાધને કારણે યહૂદિયા તથા યરુશાલેમ ઉપર ઈશ્વર કોપાયમાન થયા.
૧૯
તોપણ તેઓને પોતાની તરફ પાછા લાવવાને ઈશ્વરે તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા; પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.
૨૦
યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો; ઝખાર્યાએ લોકોની સમક્ષ ઊભા થઈને કહ્યું, “ઈશ્વર એમ કહે છે: ‘શા માટે તમે ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને પોતાને માથે આફત લાવો છો? તમે ઈશ્વરને તજ્યા છે, માટે તેમણે તમને તજ્યા છે.’”
૨૧
પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.
૨૨
એ પ્રમાણે, યોઆશ રાજાએ ઝર્ખાયાના પિતા યહોયાદાએ તેના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતા તેના પુત્રને મારી નાખ્યો. મરતા સમયે ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વર આ કૃત્ય ધ્યાનમાં લઈને તેનો જવાબ આપશે.”
૨૩
વર્ષના અંતે એમ બન્યું કે અરામીઓનું સૈન્ય યોઆશ ઉપર ચઢી આવ્યું. તેઓએ યહૂદિયા તથા યરુશાલેમ આવીને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને તેઓની માલમિલકત લૂંટી લઈને તેઓએ દમસ્કસના રાજાની પાસે તે મોકલી આપી.
૨૪
અરામીઓનું સૈન્ય ઘણું નાનું હતું, પણ ઈશ્વરે તેઓને ઘણાં મોટા સૈન્ય પર વિજય આપ્યો, કેમ કે યહૂદિયાએ પોતાના પિતૃઓના પ્રભુ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. આ રીતે અરામીઓએ યોઆશને શિક્ષા કરી.
૨૫
જે સમયે અરામીઓ પાછા ગયા, તેઓ તો યોઆશને ગંભીર બીમારીની હાલતમાં મૂકી ગયા. તેના પોતાના સેવકોએ યહોયાદા યાજકના પુત્રના ખૂનને લીધે તેની વિરુદ્ધ કાવતરું રચીને તેને તેના બિછાનામાં મારી નાખ્યો, એ પ્રમાણે તે મરણ પામ્યો. તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો, તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવ્યો નહિ.
૨૬
ત્યાં એવા કેટલાક લોકો હતા કે જેઓ તેની વિરુદ્ધ કાવતરું રચનારા હતા: આમ્મોની મહિલા શિમાથનો દીકરો ઝાબાદ, મોઆબણ શિમ્રીથનો દીકરો યહોઝાબાદ એ બે કાવતરાખોર હતા.
૨૭
હવે તેના દીકરાઓ ના વૃતાંત, તેના માટે બોલાયેલી ભવિષ્યવાણી તથા ઈશ્વરના ઘરનું પુનઃસ્થાપન એ સર્વ રાજાઓના પુસ્તકના ટીકાગ્રંથમાં લખેલાં છે. અને તેને સ્થાને તેનો દીકરો અમાસ્યા રાજા બન્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options