મુખ્ય સામગ્રી પર જાઓ
1 રાજઓ ૩:૧૬-૨૮

સુલેમાનની બુદ્ધિનું પ્રદર્શન

1 રાજઓ ૩:૧૬-૨૮
૧૬
પછી બે સ્ત્રીઓ જે ગણિકા હતી તે રાજા પાસે આવીને ઊભી રહી.
૧૭
તેમાંની એક સ્ત્રીએ કહ્યું, “હે મારા માલિક, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ અને જે ઘરમાં હું તેની સાથે રહું છું તેમાં મેં એક બાળકને જન્મ આપ્યો.
૧૮
મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ એક બાળક જનમ્યું. અમે એકસાથે રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ નહોતું, પણ અમે બે જ ઘરમાં હતાં.
૧૯
આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો.
૨૦
તેથી તેણે મધરાત્રે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈ જઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો.
૨૧
જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો.”
૨૨
પછી બીજી સ્ત્રી બોલી, “ના, જે જીવતો દીકરો છે તે તો મારો છે અને જે મરણ પામેલો છે તે તારો દીકરો છે.” પ્રથમ સ્ત્રીએ કહ્યું, “ના, મરણ પામેલો દીકરો તારો છે અને જે જીવતો છે તે મારો છે.” આમ તેઓએ રાજા આગળ વિવાદ કર્યો.
૨૩
પછી રાજાએ કહ્યું, “એક કહે છે, ‘આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.’ અને બીજી કહે છે, ‘ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.’
૨૪
રાજાએ કહ્યું, “મને એક તલવાર લાવી આપો.” તેઓ રાજા પાસે એક તલવાર લાવ્યા.
૨૫
પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના ઉપરથી નીચે બે સરખા ભાગ કરીને એકને અડધો ભાગ અને બીજીને અડધો ભાગ આપો.”
૨૬
પછી જે સ્ત્રીનો દીકરો જીવતો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેણે કહ્યું, “હે મારા માલિક, તે સ્ત્રીને જીવતો દીકરો આપો અને ગમે તે હોય પણ તેને મારી તો ન જ નાખો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “તે મારો પણ ન થાય તેમ જ તારો પણ ન થાય. તેના બે ભાગ કરો.”
૨૭
પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.”
૨૮
રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options