Skip to content

ગીતશાસ્ત્ર૫

દૈવી ધ્યાન માટે સવારની પ્રાર્થના

૧
હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; મારા ચિંતન પર લક્ષ આપો.
૨
હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
૩
હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.

ઈશ્વરની પવિત્રતા અને દુષ્ટતા પ્રત્યેનો દ્વેષ

૪
દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
૫
તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
૬
જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.

ગીતકર્તાનો ન્યાયી અભિગમ

૭
પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
૮
હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ સીધા કરો.

શત્રુઓનું કપટ

૯
કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; તેઓનું ગળું ઉઘાડી કબર છે; તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
૧૦
હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.

ઈશ્વરના રક્ષણમાં વિશ્વાસ

૧૧
પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.
૧૨
કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options