રૂત ૪:૯-૧૭
૯
¶ બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું, “આ દિવસના તમે સાક્ષી છો કે અલીમેલેખની, કિલ્યોનની તથા માહલોનની જે સંપત્તિ હતી તે બધી મેં નાઓમી પાસેથી ખરીદી છે.
૧૦
વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો.”
૧૧
¶ દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, “અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું, તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા.
૧૨
આ જુવાન સ્ત્રીથી ઈશ્વર તને જે સંતાન આપશે, તેથી તારું ઘર યહૂદિયાથી તામારને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાઓ.”
૧૩
¶ બોઆઝે રૂથની સાથે લગ્ન કર્યા. તે તેની પત્ની થઈ. ઈશ્વરની કૃપાથી તે સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો.
૧૪
સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, ‘ઈશ્વરનો આભાર હો અને તેમનું નામ ઇઝરાયલમાં પ્રસિદ્ધ થાઓ, તેમણે તને નજીકના સંબંધી વગરની રહેવા દીધી નથી.
૧૫
તે તારા જીવનમાં ફરીથી આનંદ ઉપજાવશે અને વૃદ્ધાવસ્થામાં તારું જતન કરશે; કેમ કે તારી પુત્રવધૂ જે તને પ્રેમ કરે છે, જે તને સાત દીકરાઓ કરતાં પણ વિશેષ છે, તેણે દીકરાને જન્મ આપ્યો છે.’”
૧૬
¶ નાઓમીએ તે બાળકને પોતાના ખોળામાં સુવાડ્યો અને તેનું જતન કર્યું.
૧૭
અને “નાઓમીને દીકરો જનમ્યો છે” એવું કહીને તેની પડોશી સ્ત્રીઓએ તેનું નામ ઓબેદ પાડયું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા થયો.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings