ગીતશાસ્ત્ર ૨૧:૧-૭
૧
હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!
૨
તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.
૩
કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
૪
તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
૫
તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
૬
કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.
૭
કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.
Settings