યહોશુઆ ૮:૩-૧૩
૩
¶ તેથી યહોશુઆ આય પર ચઢાઈ કરવા માટે તૈયાર થયો. સર્વ લડવૈયાને સાથે લીધાં. યહોશુઆએ ત્રીસ હજાર માણસોને પસંદ કર્યા, તેઓ બળવાન તથા હિંમતવાન પુરુષો હતા. તેણે તેઓને રાત્રે બહાર મોકલ્યા.
૪
તેઓને આજ્ઞા કરી કે, “જુઓ, નગર જીતી લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી બહુ દૂર જશો નહિ, પણ તમે સર્વ તૈયાર રહેજો.
૫
¶ હું ને મારી સાથેના સર્વ માણસો નગર પાસે પહોંચીશું. અને જયારે તેઓ અમારા પર હુમલો કરવાને બહાર આવશે ત્યારે પહેલાંની જેમ અમે તેઓની આગળથી નાસીશું.
૬
તેઓ અમારી પાછળ બહાર આવશે. પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે, ‘પહેલાંની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે.’ માટે અમે તેઓથી દૂર નાસીશું.
૭
પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી ઊઠીને બહાર નીકળી આવજો અને તમે નગરને કબજે કરી લેજો. યહોવાહ તમારા પ્રભુ નગરને તમારા હાથમાં આપશે.
૮
¶ નગર કબજે કર્યા પછી તમારે નગરને સળગાવી દેવું. યહોવાહનાં વચન પ્રમાણે તમારે કરવું. સાંભળો, મેં તમને આ આજ્ઞા આપી છે.”
૯
યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આય વચ્ચે એટલે કે પશ્ચિમ તરફ આયની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો.
૧૦
¶ યહોશુઆ સવારે વહેલો ઊઠયો અને તેણે સૈનિકોને તૈયાર કર્યા. યહોશુઆ અને ઇઝરાયલના વડીલોએ આયના લોકો પર હુમલો કર્યો.
૧૧
સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચ્યા. તેઓએ નગરની નજીક જઈને આયની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આય અને તેઓની વચ્ચે ખીણ હતી.
૧૨
તેણે આશરે પાંચ હજાર પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આય નગરની વચ્ચે પશ્ચિમ બાજુએ છાપો મારવા માટે તેઓને ગોઠવ્યા.
૧૩
¶ તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી.
Settings