યહોશુઆ ૨૩:૧-૯
૧
¶ અને ઘણાં દિવસો પછી, યહોવાહે જયારે ઇઝરાયલને તેઓના ચારેબાજુના સર્વ શત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો.
૨
યહોશુઆએ સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, “હું ઘણો વૃદ્ધ થયો છું.
૩
આ સર્વ દેશજાતિઓ સાથે યહોવાહ, તમારા પ્રભુએ તમારે માટે જે કર્યું, તે સર્વ તમે જોયું છે, કેમ કે યહોવાહ, તમારા પ્રભુએ, પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે.
૪
¶ જુઓ જે દેશો તમારાં કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશજાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો, તે મેં તમને વારસા તરીકે આપ્યાં છે.
૫
યહોવાહ તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તે તેઓનું પતન કરશે. તેમની જમીનને જપ્ત કરશે અને જેમ યહોવાહ તમારા પ્રભુએ તમને વચન આપ્યુ હતું તેમ, તમે તેમનો દેશ કબજે કરશો.
૬
¶ તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે, તે સઘળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણાં બળવાન તથા હિંમતવાન થાઓ કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ.
૭
તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓ સાથે ભળી જશો નહિ, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહિ કે તેઓના સોગન ખાશો નહિ, તેઓની પૂજા પણ કરશો નહિ, તેઓને પગે લાગશો નહિ.
૮
પરંતુ તેને બદલે, જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ, પોતાના યહોવાહ, પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો.
૯
¶ કેમ કે યહોવાહે તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને નસાડી મૂકી છે. તમારા માટે, તમારી સામે આજ દિન સુધી કોઈ ટકવાને સમર્થ રહ્યું નથી.
Settings