હઝકિયેલ ૨૩:૨૨-૩૫
૨૨
¶ માટે, ઓહોલીબાહ, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘જો, હું તારા પ્રેમીઓને તારી વિરુદ્ધ કરીશ. જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે, તેઓને હું ચારેબાજુથી તારી વિરુદ્ધ લાવીશ.
૨૩
એટલે હું બધા બાબિલવાસીઓને તથા બધા ખાલદીવાસીઓને પેકોદને, શોઆને તથા કોઆને તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા ખૂબસૂરત જુવાનોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને, ઘોડેસવારોને તથા મંત્રીઓને ભેગા કરીશ.
૨૪
તેઓ તારી વિરુદ્ધ હથિયારો, રથો તથા ગાડાઓ, અને લોકોનાં મોટાં ટોળાં સહિત આવશે. તેઓ મોટી ઢાલો, નાની ઢાલો તથા ટોપો પહેરીને તારી સામે આવીને તને ચારેબાજુથી ઘેરી લેશે. હું તેઓને તને શિક્ષા કરવાની તક આપીશ અને તેઓ પોતાનાં કાર્યોથી તને શિક્ષા કરશે.
૨૫
કેમ કે હું તારા પર મારો કોપ રેડી દઈશ, તેઓ રોષથી તારી સાથે વર્તશે, તેઓ તારા નાક તથા કાન કાપી નાખશે, તારા બચેલા તલવારથી નાશ પામશે! તેઓ તારા દીકરા દીકરીઓને લઈ લેશે, જેથી તારા વંશજો અગ્નિથી ભસ્મ થઈ જશે.
૨૬
¶ તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો તારી પાસેથી લઈ લેશે!
૨૭
હું તારામાંથી તારા શરમજનક કાર્યોનો અને મિસર દેશમાં કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. જેથી તું તારી નજર તેઓના તરફ ઉઠાવશે નહિ અને મિસરને સ્મરણમાં લાવશે નહિ.’”
૨૮
¶ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે: ‘જો, જે લોકોને તું ધિક્કારે છે અને જેઓના પરથી તારું મન ઊઠી ગયું છે તેઓના હાથમાં હું તને સોંપી દઈશ.
૨૯
તેઓ તને ધિક્કારશે; તેઓ તારી બધી સંપત્તિ લઈ લેશે અને તને ઉઘાડી કરી મૂકશે. તારા વ્યભિચારની ભ્રષ્ટતા એટલે તારાં શરમજનક કાર્યો તથા તારો વ્યભિચાર ઉઘાડાં થશે.
૩૦
¶ તેં ગણિકા જેવું કાર્ય કર્યું છે, પ્રજાઓની પાછળ જઈને તેમની પ્રેમીકા થઈ છે અને તેઓની મૂર્તિઓથી તેં પોતાને અપવિત્ર કરી છે, માટે આ સર્વ દુઃખો તારા પર લાવવામાં આવશે.
૩૧
તું તારી બહેનને પગલે ચાલી છે, તેથી હું તેની શિક્ષાનો પ્યાલો તારા હાથમાં આપીશ.’
૩૨
પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘તું તારી બહેનનો પ્યાલો પીશે, તે ઊંડો અને મોટો છે; તું હાંસીપાત્ર થશે અને તું મજાકનો વિષય બનશે તે પ્યાલામાં ઘણું સમાય છે.
૩૩
તું ભયાનક તથા વિનાશના પ્યાલાથી, એટલે નશાથી તથા ચિંતાથી ભરાઈ જશે. આ તારી બહેન સમરુનનો પ્યાલો છે!
૩૪
તું પીશે અને તેને ખાલી કરી નાખશે; પછી તું તેને ભાંગી નાખશે અને તારાં સ્તનને કાપીને ટુકડા કરી નાખશે.
૩૫
¶ માટે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘કેમ કે તું મને ભૂલી ગઈ છે અને મને તારી પીઠ પાછળ ફેંકી દીધો છે, તેથી તું તારી લંપટતા અને વ્યભિચારની બોજ ઉઠાવશે.”
Settings