Skip to content
પુનર્નિયમ ૧૦:૧૨-૨૨

પુનર્નિયમ ૧૦:૧૨-૨૨

૧૨
હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે.
૧૩
અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.
૧૪
જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.
૧૫
તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ.
૧૬
તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો.
૧૭
કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
૧૮
તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
૧૯
તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.
૨૦
તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ.
૨૧
તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
૨૨
જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options