Skip to content
દારિયેલ ૧૧:૨૧-૩૫

દારિયેલ ૧૧:૨૧-૩૫

૨૧
તેની જગ્યાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે જેને લોકોએ રાજ્યસત્તાનો અધિકાર આપ્યો નહોતો, તે શાંતિથી આવશે અને ખુશામતથી રાજ્ય મેળવશે.
૨૨
તેની આગળથી મોટું સૈન્ય પૂરના પાણીની જેમ તણાઈ જશે. કરારમાં દાખલ થયેલા સૈન્ય તથા આગેવાન પણ નાશ પામશે.
૨૩
તેની સાથે સુલેહ કર્યા પછી તે કપટ કરશે; તે લોકો નાના છતાં તે બળવાન થશે.
૨૪
તે પ્રાંતના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરશે, તેના પિતૃઓએ કે તેના પિતૃઓના પિતૃઓએ કદી કર્યું નહોતું તેવું તે કરશે; તે તેઓ મધ્યે લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે. તે થોડા સમય માટે જ કિલ્લેબંદીવાળા નગરો પર ચઢાઈ કરવાની યોજના કરશે.
૨૫
તે પોતાની શક્તિ તથા હિંમત ભેગી કરીને દક્ષિણના રાજાની સામે મોટા સૈન્ય સાથે આવશે. દક્ષિણનો રાજા પણ બળવાન સૈન્ય સાથે તેની સામે યુદ્ધ કરશે, પણ તે ટકશે નહિ, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં કરશે.
૨૬
જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે.
૨૭
આ બે રાજાઓ, પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ દુષ્ટતા કરવાનો વિચાર કરશે. તેઓ એક જ મેજ પર બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેઓની ઇચ્છા પૂર્ણ થશે નહિ. કેમ કે, તેઓનો અંત નક્કી સમયે જ થશે.
૨૮
પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે.
૨૯
પછી તે નક્કી કરેલા સમયે ફરીથી દક્ષિણ પર ચઢાઈ કરશે. પણ અગાઉ જેમ થયું તેમ તે સમયે થશે નહિ.
૩૦
કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે; તેથી તે નિરાશ થઈને પાછો જશે, પવિત્ર કરારને તજી દેનાર પર તે કૃપા રાખશે.
૩૧
તેનાં લશ્કરો ઊભાં થશે અને પવિત્રસ્થાનને તથા કિલ્લાઓને અપવિત્ર કરશે; તેઓ નિત્યનું દહનાર્પણ લઈ લેશે, તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં સ્થાપશે.
૩૨
કરારની વિરુદ્ધ ઉલ્લંઘન કરનારને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તો મજબૂત થશે અને પરાક્રમી કામો કરશે.
૩૩
લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણાઓને સમજાવશે. જો કે, તો પણ તેઓ ઘણા દિવસો સુધી તલવાર તથા અગ્નિજ્વાળાથી માર્યા જશે. તેઓમાંના ઘણાને બંદીવાન તરીકે લઈ જવામાં આવશે અને તેઓની સંપત્તિને લૂંટી લેવામાં આવશે.
૩૪
જ્યારે તેઓ ઠોકર ખાશે, ત્યારે તેઓને થોડી મદદ કરવામાં આવશે; પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે.
૩૫
કેટલાક જ્ઞાની તેઓને પવિત્ર કરવા સારુ, શ્વેત કરવા સારુ, તથા શુદ્ધ કરવા સારુ અંતના સમય સુધી પ્રયત્ન કરશે પણ ઠોકર ખાશે. કેમ કે ઠરાવેલો સમય હજી આવનાર છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options