પ્રેરિતોનાં ક્રત્યો ૨૩:૨૩-૩૫
૨૩
¶ પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;
૨૪
અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”
૨૫
તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,
૨૬
‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
૨૭
આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.
૨૮
તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.
૨૯
ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.
૩૦
જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’”
૩૧
ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.
૩૨
પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.
૩૩
તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.
૩૪
તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,
૩૫
ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”
Settings