2 શમુએલ ૩:૬-૨૧
૬
¶ દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો.
૭
શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે એયાહની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, “તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?”
૮
¶ આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે?
૯
¶ જેમ ઈશ્વરે દાઉદ આગળ સમ ખાધા છે તેમ હું જો દાઉદને ન કરું, તો ઈશ્વર આબ્નેર પર તેના કરતાં વધારે વિપત્તિ લાવો!
૧૦
એટલે કે શાઉલના હાથમાંથી રાજય છીનવીને દાઉદનું રાજયાસન ઇઝરાયલ અને યહૂદિયા પર દાનથી તે બેરશેબા સુધી હું સ્થાપું.”
૧૧
પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો.
૧૨
¶ પછી આબ્નેરે સંદેશવાહક મોકલીને દાઉદને કહાવ્યું કે, “આ દેશ કોનો છે? મારી સાથે કરાર કર. અને તું જોઈશ કે સર્વ ઇઝરાયલીઓને તારી પાસે લાવવા માટે મારો હાથ તારી સાથે છે.”
૧૩
દાઉદે જવાબ આપ્યો, “સારું, હું તારી સાથે કરાર કરીશ. પણ હું તારી પાસે એક બાબતની માગણી કરું છું કે, જયારે તું મારી પાસે આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને લાવ્યા વિના તું મને મળી શકશે નહિ.”
૧૪
¶ પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ.”
૧૫
તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
૧૬
તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, “હવે ઘરે પાછો જા.” તેથી તે પાછો ગયો.
૧૭
¶ આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, “ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા.
૧૮
તો હવે તે કામ કરો, કેમ કે ઈશ્વરે દાઉદ વિષે કહ્યું છે કે, ‘મારા સેવક દાઉદની મારફતે હું મારા ઇઝરાયલી લોકોને પલિસ્તીઓના અને સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’”
૧૯
¶ આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો.
૨૦
આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું.
૨૧
¶ આબ્નેરે દાઉદને જણાવ્યું, “હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને મારા માલિક પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે.” દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો.
Settings