2 શમુએલ ૩:૧૯-૨૮
૧૯
¶ આબ્નેરે પણ વ્યક્તિગત રીતે બિન્યામીનીઓની સાથે વાત કરી. પછી ઇઝરાયલ તથા બિન્યામીનના આખા કુળને તેઓની જે ઇચ્છા પૂરી કરવી હતી તે વિષે દાઉદને કહેવા સારુ આબ્નેર હેબ્રોનમાં ગયો.
૨૦
આબ્નેર અને તેના વીસ માણસો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, ત્યારે દાઉદે તેઓને ભોજન કરાવ્યું.
૨૧
¶ આબ્નેરે દાઉદને જણાવ્યું, “હું ઊઠીને સર્વ ઇઝરાયલીઓને મારા માલિક પાસે એકત્ર કરીશ, કે જેથી તેઓ તારી સાથે કરાર કરે અને તું તારા હૃદયની ઇચ્છા પ્રમાણે બધા પર રાજ કરે.” દાઉદે આબ્નેરને શાંતિથી વિદાય કર્યો.
૨૨
¶ પછી દાઉદના સૈનિકો તથા યોઆબ લડાઈ કર્યા પછી પાછા આવ્યા. તેઓ પોતાની સાથે ઘણી લૂંટ લાવ્યા. પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો. કેમ કે દાઉદે તેને વિદાય કરવાથી તે શાંતિથી ગયો હતો.
૨૩
જયારે યોઆબ અને તેનું આખું સૈન્ય આવ્યું, ત્યારે તેઓએ યોઆબને કહ્યું, “નેરનો દીકરો આબ્નેર રાજા પાસે આવ્યો હતો અને રાજાએ તેને વિદાય કર્યો અને આબ્નેર શાંતિથી પાછો ગયો છે.”
૨૪
¶ યોઆબે રાજા પાસે આવીને કહ્યું, “તેં શું કર્યું છે? જો, આબ્નેર તારી પાસે આવ્યો! તો પછી શા માટે તેં તેને વિદાય કર્યો? અને તે જતો રહ્યો?
૨૫
નેરના દીકરા આબ્નેરને તું નથી જાણતો કે, તે તને છેતરવાને, તારી યોજનાઓ જાણવાને તથા તું જે કરે છે તે બધાથી વાકેફ થવા સારુ આવ્યો હતો?”
૨૬
જયારે યોઆબ દાઉદ પાસેથી ગયો, ત્યારે તેણે આબ્નેર પાછળ સંદેશાવાહકો મોકલ્યા. અને તેઓ તેને સીરાના હોજ પાસેથી પાછો તેડી લાવ્યા, પણ દાઉદ એ વિષે કશું જાણતો ન હતો.
૨૭
¶ આબ્નેર હેબ્રોનમાં પાછો આવ્યો, ત્યારે યોઆબ તેની સાથે એકાંતમાં વાત કરવા સારુ તેને દરવાજાની એક બાજુએ લઈ ગયો. અને યોઆબે ત્યાં તેના પેટમાં ખંજર ભોંકીને તેને મારી નાખ્યો. આ રીતે યોઆબે તેના ભાઈ અસાહેલના ખૂનનો બદલો લીધો.
૨૮
¶ દાઉદે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું,” નેરના દીકરા આબ્નેરના ખૂન વિષે હું તથા મારું રાજ્ય ઈશ્વરની આગળ સદાકાળ સુધી નિર્દોષ છીએ.
Settings