2 શમુએલ ૩:૧-૧૬
૧
¶ હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા.
૨
¶ હેબ્રોનમાં દાઉદના છ પુત્રોના જન્મ થયા હતા. તેનો પ્રથમજનિત પુત્ર આમ્નોન હતો, જેને અહિનોઆમ યિઝ્રએલીએ જન્મ આપ્યો હતો.
૩
તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબિગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો.
૪
¶ ચોથો દીકરો, તે હાગ્ગીથનો દીકરો અદોનિયા હતો. પાંચમા દીકરા શફાટયાને અબીટાલે જન્મ આપ્યો હતો,
૫
છઠો યિથ્રામ, દાઉદની પત્ની એગ્લાનો દીકરો હતો. આ હેબ્રોનમાં દાઉદને જન્મેલા પુત્રો છે.
૬
¶ દાઉદના લોક અને શાઉલના લોક વચ્ચે વિગ્રહ ચાલતો હતો તે દરમિયાન આબ્નેર શાઉલના પક્ષ માટે મજબૂત બન્યો.
૭
શાઉલની ઉપપત્નીનું નામ રિસ્પા હતું, તે એયાહની દીકરી હતી. ઈશ-બોશેથે આબ્નેરને કહ્યું, “તું મારા પિતાની ઉપપત્ની સાથે કેમ સૂઈ ગયો હતો?”
૮
¶ આબ્નેર ઈશ-બોશેથના શબ્દોથી ખૂબ ગુસ્સે થયો અને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? મેં આજે તારા પિતા શાઉલના લોક પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર સહાનુભૂતિ દર્શાવીને તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તેમ છતાં આજે આ સ્ત્રી વિષે તું મારા ઉપર આરોપ મૂકે છે?
૯
¶ જેમ ઈશ્વરે દાઉદ આગળ સમ ખાધા છે તેમ હું જો દાઉદને ન કરું, તો ઈશ્વર આબ્નેર પર તેના કરતાં વધારે વિપત્તિ લાવો!
૧૦
એટલે કે શાઉલના હાથમાંથી રાજય છીનવીને દાઉદનું રાજયાસન ઇઝરાયલ અને યહૂદિયા પર દાનથી તે બેરશેબા સુધી હું સ્થાપું.”
૧૧
પછી ઇશ-બોશેથ આબ્નેરને જવાબમાં કશું કહી શક્યો નહિ, કેમ કે તે તેનાથી ડરતો હતો.
૧૨
¶ પછી આબ્નેરે સંદેશવાહક મોકલીને દાઉદને કહાવ્યું કે, “આ દેશ કોનો છે? મારી સાથે કરાર કર. અને તું જોઈશ કે સર્વ ઇઝરાયલીઓને તારી પાસે લાવવા માટે મારો હાથ તારી સાથે છે.”
૧૩
દાઉદે જવાબ આપ્યો, “સારું, હું તારી સાથે કરાર કરીશ. પણ હું તારી પાસે એક બાબતની માગણી કરું છું કે, જયારે તું મારી પાસે આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને લાવ્યા વિના તું મને મળી શકશે નહિ.”
૧૪
¶ પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “જેના માટે મેં પલિસ્તીઓનાં એકસો અગ્રચર્મો આપીને લગ્ન કર્યું હતું તે મારી પત્ની મિખાલ મને આપ.”
૧૫
તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
૧૬
તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, “હવે ઘરે પાછો જા.” તેથી તે પાછો ગયો.
Settings