ગીતશાસ્ત્ર ૬૮:૧-૯
૧
ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
૨
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
૩
પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
૪
ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
૫
અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
૬
ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
૭
હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, સેલાહ
૮
ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
૯
હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
Settings