Skip to content
યર્મિયા ૨૬:૧૬-૨૪

યર્મિયા ૨૬:૧૬-૨૪

૧૬
ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. કેમ કે તે આપણા ઈશ્વર યહોવાહને નામે બોલ્યો છે.”
૧૭
પછી દેશના વડીલોમાંના માણસો ઊભા થયા અને આખી સભાને સંબોધીને.
૧૮
તેઓએ કહ્યું, “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મીખાહ મોરાશ્તી ઈશ્વરનાં વચન કહેતો હતો અને તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે સૈન્યોના યહોવાહ કહે છે કે; “સિયોન ખેતરની જેમ ખેડાઈ જશે અને યરુશાલેમ ખંડેરનો ઢગલો થઈ જશે. અને સભાસ્થાનનો પર્વત વનનાં ઉચ્ચસ્થાન જેવો થશે.”
૧૯
ત્યારે યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધા લોકોએ આ માટે તેને મારી નાખ્યો હતો કે? શું તેને યહોવાહનો ડર નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાહને વિનંતી કરી નહોતી? આને કારણે યહોવાહ તેઓના પર જે વિપત્તિ લાવવાને બોલ્યા હતા, તે વિષે તેમને પશ્ચાતાપ થયો. જો આપણે યર્મિયાને મોતની સજાને પાત્ર ઠરાવીએ તો શું આપણે જ આપણા પર મોટી આફત નહિ નોતરીએ?”
૨૦
વળી કિર્યાથ-યારીમનો એક વતની એટલે શમાયાનો દીકરો ઉરિયા, યહોવાહને નામે ભવિષ્ય કહેતો હતો. તેણે આ નગર તથા દેશની વિરુદ્ધ યર્મિયાનાં સર્વ વચનો પ્રમાણે ભવિષ્ય કહ્યું.
૨૧
પણ જ્યારે યહોયાકીમ રાજાએ તથા તેના બધા સૈનિકો અને અધિકારીઓએ તે વચનો સાંભળ્યાં ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે ઉરિયાને તેની ખબર પડી ત્યારે ભયભીત થઈ મિસર નાસી ગયો.
૨૨
ત્યારે યહોયાકીમ રાજાએ આખ્બોરના દીકરા એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા.
૨૩
તેઓ ઉરિયાને મિસરમાંથી પકડીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઈ આવ્યા અને તેણે તેને મારી નંખાવ્યો અને તેના મૃતદેહને હલકા કહેવાતા લોકોના કબ્રસ્તાનમાં નાખી દીધો.
૨૪
પરંતુ શાફાનના દીકરા અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા સારુ લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0