Skip to content
ઊત્પત્તિ ૨૭:૩૦-૪૧

ઊત્પત્તિ ૨૭:૩૦-૪૧

૩૦
ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો.
૩૧
પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો અને તેના પિતાને કહ્યું, “મારા પિતા ઊઠીને તારા દીકરાનો શિકાર ખાઓ, કે જેથી તમે મને આશીર્વાદ આપો.”
૩૨
તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું.”
૩૩
ઇસહાક બહુ ધ્રૂજી ઊઠ્યો અને બોલ્યો, “ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ હતો? તારા આવ્યા અગાઉ તે સર્વમાંથી મેં ખાધું અને મેં તેને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદિત થશે પણ ખરો.”
૩૪
જયારે એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે મોટી તથા બહુ કારમી બૂમ પાડીને રડ્યો અને પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને હા મને પણ, આશીર્વાદ આપ.”
૩૫
ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ કપટ કર્યું છે. તેણે આવીને તારો આશીર્વાદ લઈ લીધો છે.”
૩૬
એસાવે તેને કહ્યું, “શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? તેણે મને બે વાર છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું. અને જો, હવે તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે.” અને તેણે પૂછ્યું, “શું તેં મારા માટે આશીર્વાદ રાખ્યો નથી?”
૩૭
ઇસહાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, “જો, મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યાં છે. અને મેં તેને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ આપ્યાં છે. મારા દીકરા, હું તારે સારુ શું કરું?”
૩૮
એસાવે પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને આપવા માટે શું તારી પાસે એકપણ આશીર્વાદ બાકી રહ્યો નથી? મારા પિતા, મને, હા મને પણ આશીર્વાદ આપ.” અને એસાવ પોક મૂકીને રડ્યો.
૩૯
તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, “જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારે દૂર રહેવાનું થશે.
૪૦
તું તારી તલવારથી જીવશે. તારે તારા ભાઈની સેવા કરવી પડશે. પણ જયારે તું તેની સામે થશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂંસરી ફગાવી દઈ શકશે.”
૪૧
યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તેને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. એસાવે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસો પાસે છે; એ પૂરા થયા પછી હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options