Skip to content
હઝકિયેલ ૩૭:૧૬-૨૮

હઝકિયેલ ૩૭:૧૬-૨૮

૧૬
“હવે, હે મનુષ્યપુત્ર, તારા માટે એક લાકડી લે અને તેના પર લખ કે; ‘યહૂદિયાના લોકો માટે તથા તેના સાથી ઇઝરાયલી લોકો માટે. પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, ‘એફ્રાઇમની ડાળી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલી લોકોને માટે.’
૧૭
પછી તેઓ બન્નેને જોડીને એક લાકડી બનાવ એટલે તેઓ તારા હાથમાં એક જ લાકડી થઈ જાય.
૧૮
તારા લોકો તારી સાથે વાત કરીને તને પૂછે કે, તું એ લાકડીઓ વડે શું દર્શાવવા માગે છે તે શું તું અમને નહિ કહે?
૧૯
ત્યારે તેઓને કહેજે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: જુઓ, એફ્રાઇમના હાથમાં જે યૂસફની ડાળી છે તેને તથા તેના સાથી જે ઇઝરાયલના કુળ છે તેને હું લઈશ અને તેમને યહૂદિયાની ડાળી સાથે જોડીને, એક ડાળી બનાવીશ, તેઓ મારા હાથમાં એક થઈ જશે.’
૨૦
જે લાકડીઓ પર તું લખે છે તેમના તારા હાથમાં રાખીને તેઓની નજર આગળ રાખ.
૨૧
પછી તેઓને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલી લોકો ગયા છે ત્યાંથી હું તેઓને લઈશ. હું તેઓને આસપાસના દેશોમાંથી એકત્ર કરીશ. હું તેઓને પોતાના દેશમાં પાછા લાવીશ.
૨૨
હું તેઓને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વત પર એક પ્રજા બનાવીશ; તે બધાનો એક રાજા થશે. તેઓ ફરી કદી બે પ્રજા થશે નહિ; તેઓ ફરી કદી બે રાજ્યોમાં વહેંચાશે નહિ.
૨૩
તેઓ ફરી કદી પોતાની મૂર્તિઓથી, પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓથી, કે તેઓનાં કોઈ પણ પાપોથી પોતાને અપવિત્ર કરશે નહિ. કેમ કે હું તેઓને તેઓનાં સર્વ અવિશ્વાસી કાર્યો કે જેનાથી તેઓએ પાપ કર્યું તેનાથી બચાવી લઈશ, હું તેઓને શુદ્ધ કરીશ, ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
૨૪
મારો સેવક દાઉદ તેઓનો રાજા થશે. તે જ બધાનો એક પાળક થશે, તેઓ મારી આજ્ઞાઓ અનુસાર ચાલશે, મારા વિધિઓ પાળશે અને તેમનું પાલન કરશે.
૨૫
વળી મારા સેવક યાકૂબને મેં જે દેશ આપ્યો હતો અને જેમાં તમારા પૂર્વજો રહેતા હતા તેમાં તેઓ રહેશે. તેઓ તથા તેઓનાં સંતાનો અને તેઓનાં સંતાનોના સંતાન તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે.
૨૬
હું તેઓની સાથે શાંતિનો કરાર સ્થાપીશ. તે તેઓની સાથે સદાનો કરાર થશે. હું તેઓને લઈને તેમની વૃદ્ધિ કરીશ અને તેઓની મધ્યે સદાને માટે મારું પવિત્રસ્થાન સ્થાપીશ.
૨૭
મારું નિવાસસ્થાન તેઓની સાથે થશે; હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.
૨૮
“જ્યારે મારું પવિત્રસ્થાન તેઓ મધ્યે સદાને માટે થશે ત્યારે પ્રજાઓ જાણશે કે, ઇઝરાયલને પવિત્ર કરનાર યહોવાહ હું છું!”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options