દારિયેલ ૪:૨૦-૨૬
૨૦
¶ જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડે દેખાતું નહતું.
૨૧
જેનાં પાંદડાં સુંદર હતાં, જેને ઘણાં ફળ લાગ્યાં હતાં, જેનાથી બધાને ખોરાક પૂરો પડતો હતો, જેની નીચે ખેતરનાં પશુઓ આશ્રય પામતાં હતાં, જેની ડાળીઓમાં આકાશના પક્ષીઓ વાસ કરતાં હતાં,
૨૨
હે રાજા, તે વૃક્ષ તમે છો, તમે વધીને ઘણા બળવાન થયા છો. તમારી મહાનતા વધીને આકાશ સુધી પહોંચી છે, તમારી સત્તા પૃથ્વીના છેડા સુધી પહોંચી છે.
૨૩
¶ હે રાજા, તમે પવિત્ર દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો અને કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપીને તેનો નાશ કરો, પણ તેના મૂળની જડને લોખંડ તથા પિત્તળથી બાંધીને ખેતરના કુમળા ઘાસમાં રહેવા દો. સાત વર્ષ પસાર થાય ત્યાં સુધી તેને આકાશમાંથી પડતા ઝાકળથી પલળવા દો. તેને ખેતરના જંગલી પશુઓ સાથે રહેવા દો.’”
૨૪
¶ હે રાજા, તેનો અર્થ આ છે: મારા સ્વામી રાજાની પાસે જે આવ્યું છે તે તો પરાત્પર ઈશ્વરનો હુકમ છે.
૨૫
તમને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તમે ખેતરનાં જંગલી પશુઓ સાથે રહેશો. તમને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, આકાશમાંથી વરસતા ઝાકળથી તમે પલળશો. પરાત્પર ઈશ્વર મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે સોંપે છે તે જાણ થતાં સુધી સાત વર્ષ પસાર થશે.
૨૬
¶ જેમ વૃક્ષના મૂળની જડને જમીનમાં રહેવા દેવાની આજ્ઞા કરી તેમ, તે પરથી આકાશનો અધિકાર ચાલે છે તે આપ જાણશો પછી તમને તમારું રાજ્ય પાછું મળશે.
Settings